×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજ્યમાં પાંચ દિવસ વરસાદની આગાહી, 24 કલાકમાં 128 તાલુકામાં વરસાદ, લુણાવાડામાં સૌથી વધુ


રાજ્યમાં વરસાદના ચોથા રાઉન્ડમાં બ્રેક લાગી છે અને અનેક જિલ્લાઓમાં વરસાદે વિરામ લીધો છે ત્યારે હવામાન વિભાગે વધુ એક વખત વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 128 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમા સૌથી વધુ મહિસાગરના લુણાવાડામાં ખાબક્યો છે.

રાજ્યમાં 78 ટકાથી વધુ વરસાદ વરસ્યો

રાજ્યમાં આ વર્ષે સીઝનનો કુલ વરસાદ 78 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે અને મોટા ભાગના જળાશયો છલકાયા છે ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 128 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમા મહિસાગરના લુણાવાડામાં અઢીં ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત બનાસકાંઠાના દાંતામાં પોણા બે ઈંચ વરસાદ તેમજ અમીરગઢમાં દોઢ ઈંચ વરસાદ અને આણંદના આંકલાવ, સાબરકાંઠાના પોશીના, મહિસાગરના સંતરામપુરમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં આજે આ વિસ્તારમાં વરસાદની આગાહી

હવમાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરી છે ત્યારે આજે કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે જેમા વલસાડ, તાપી, ડાંગ, અમદાવાદ તેમજ સુરત, નવસારી, નર્મદા, કચ્છ, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર તેમજ દાહોદ, મહેસાણા, મહીસાગર, પંચમહાલ, ખેડા, આણંદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ  આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

અમદાવાદમાં સિઝનનો કુલ 75 ટકા વરસાદ

અમદાવાદમાં આ વર્ષે સિઝનનો અત્યાર સુધીમાં કુલં 24 ઈંચ સાથે 75 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જિલ્લાની વાત કરવામાં આવે તો સૌથી વધુ ધંધુકામાં 110 ટકા તેમજ બાવળામાં સૌથી ઓછો 30 ટકા વરસાદ વરસ્યો છે. શહેરમાં આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.