રાજ્યમાં ‘આભમાંથી આફત’ વરસી – વિજળી પડવાથી 33 લોકોના મોત

રાજ્યમાં ‘આભમાંથી આફત’ વરસી – વિજળી પડવાથી 33 લોકોના મોત


– સુરત, નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં હજી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

અમદાવાદ, તા.11 જુલાઇ, 2022

ગુજરાતના ઘણા જિલ્લાઓમાં હાલ ભારે વરસાદને કારણે પુર જેવી સ્થિતિ સર્જાઇ છે અને આગામી પાંચેક દિવસમાં હજી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે રાજ્યમાં જાન-માલને ઘણું નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ એક નિવેદનમાં જણાવ્યુ કે, રાજ્યમાં 33 જેટલા લોકોના વિજળી પડવાથી મોત થયા છે. તેમજ ભારે વરસાદને કારણે પુરમાં ડુબી જવાના લીધે 16 લોકોના મોત થયાની ઘટના નોંધાઇ છે. ઉપરાંત ભારે વરસાદને કારણે દીવાલ પડી જવાથી 8 લોકો, ઝાડ પડવાથી 6 લોકોના મોત અને વીજળીનો થાંભળો પડવાથી 1 વ્યક્તિનું મોત નિપજ્યુ છે. 

હજી 5 દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં ચારેય બાજુ આભમાંથી આફત વરસવી જેવી સ્થિતિ સર્જાઇ છે. રાજ્યભરમાં હજી આગામી પાંચેક દિવસ સુધી ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા સૂરત, નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. વલસાડ, દમણ અને ડાંગમાં પણ 24 કલાકમાં ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો કચ્છ ,મોરબી, ભાવનગર અને અમરેલીમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે.

Share: