રાજસ્થાન કોંગ્રેસમાં કંઈક મોટું થવાન એંધાણઃ હાઈકમાન્ડે સચિન પાયલટને તાત્કાલિક દિલ્હી બોલાવ્યા

રાજસ્થાન કોંગ્રેસમાં કંઈક મોટું થવાન એંધાણઃ હાઈકમાન્ડે સચિન પાયલટને તાત્કાલિક દિલ્હી બોલાવ્યા

નવી દિલ્હી, તા.23 મે-2023, મંગળવાર

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે, જેને ધ્યાને રાખી કોંગ્રેસ હાઈકમાન્ડ હવે સચિન પાયલટને મનાવવામાં લાગી ગઈ છે, ત્યારે સચિન પાયલટને આવતીકાલે સાંજે દિલ્હી બોલાવવામાં આવ્યા છે. ઘણા સમયથી અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે ચાલી રહેલા વિવાદના કારણે રાજસ્થાન કોંગ્રેસમાં ધમાસાણ જોવા મળી રહ્યું છે. પાયલોટ રાજસ્થાન સરકાર પર સતત દબાણ વધારવાના પ્રયાસો કરતા રહ્યા છે. 

સચિન પાયલોટ અને રાજસ્થાન કોંગ્રેસ પ્રભારીને દિલ્હી બોલાવાયા

સચિન પાયલોટને અચાનક દિલ્હી બોલાવવામાં આવ્યા બાદ રાજસ્થાન કોંગ્રેસમાં ખળભળાટ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસ હાઈકમાન્ડે સચિન પાયલોટને આવતીકાલે સાંજે દિલ્હી બોલાવ્યા છે. ઉપરાંત રાજસ્થાન કોંગ્રેસ પ્રભારી સુખજિન્દર રંધાવાને પણ દિલ્હી બોલાવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે આ બંને નેતાઓની મહત્વની બેઠક યોજાઈ શકે છે. ખડગે સાથે સંભવિત બેઠક દરમિયાન રાજસ્થાન અંગે કોઈ મોટો નિર્ણય લેવાઈ શકે છે.

કાર્યક્રમ રદ કરી સચિન પાયલોટ દિલ્હી જવા નિકળ્યા

સચિન પાયલોટને દિલ્હી બોલાવ્યા હોવાના સમાચારો મળતા જ તેઓ તુરંત પોતાના કાર્યક્રમો રદ કરી દિલ્હી જવા નિકળી ગયા છે. ઉલ્લેખનિય છે કે, સચિન પાયલોટ આવતીકાલે રાજસ્થાનના કોટખાવદા બાદ ટોંક અને આજે કરોલીની મુલાકાત લેવાયા હતા. જોકે મોડી સાંજે દિલ્હીથી તેડુ આવતા સચિન પાયલોટ અને રાજસ્થાન કોંગ્રેસ પ્રભારી સુખજિન્દર રંધાવા તુરંત દિલ્હી જવા નિકળી ગયા છે.

Share: