×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજકીય પાર્ટીઓના વિભાજન-વિલયની અનુમતિ આપતી બંધારણની જોગવાઈ રદ કરવા માટે હાઈકોર્ટમાં અરજી દાખલ

મુંબઈ, તા.28 ઓગસ્ટ-2023, સોમવાર

મુંબઈ હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી - PIL દાખલ કરાઈ છે, જેમાં બંધારણની દસમી સૂચિમાં રાજકીય પક્ષોના વિભાજન અને વિલયની જોગવાઈવાળા પેરેગ્રાફને ‘ગેરકાયદે’ અને ‘અમાન્ય’ જાહેર કરવાની માંગ કરાઈ છે. ઉપરાંત અરજીમાં કહેવાયું છે કે, આ જોગવાઈ બંધારણના માળખાના મૂળ સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે... અરજદાર મીનાક્ષી મેનન મીડિયા અને માર્કેટિંગ પ્રોફેશનલ તેમજ એનજીઓ વનશક્તિના સ્થાપક ટ્રસ્ટી છે. તેમણે દાવો કર્યો છે કે, આ જોગવાઈનો રાજકીય નેતાઓ દ્વારા દુરુપયોગ થઈ રહ્યો છે. જોગવાઈનો ઉપયોગ રાજકીય નેતાઓ જૂથ પક્ષપલટો માટે કરી રહ્યા છે. આ રીતે સતત જૂથ પક્ષ પલટાના કારણે મતદારો સાથે છેતરપિંડી થઈ રહી છે.

‘જોગવાઈના કારણે મતદારો ચૂંટણી પ્રક્રિયાથી દૂર ભાગી રહ્યા છે’

પીઆઈએલમાં જણાવાયું છે કે, બંધારણની દસમી સૂચિના પેરેગ્રામ-4 હેઠળ વિભાજન અને વિલયની જોગવાઈના કારણે રાજકીય નેતાઓ બેરોકટોક જૂથ પક્ષપલટો કરી રહ્યા છે. આમ કરવું રાજકીય સંસ્કૃતિ બની ગઈ છે, જેના કારણે મતદારો સાથે વિશ્વાસઘાતની સંપૂર્ણ ઉપેક્ષા થઈ રહી છે. પીઆઈએલમાં જણાવાયું છે કે, આ જોગવાઈના કારણે મતદારો ચૂંટણી પ્રક્રિયાથી દૂર ભાગી રહ્યા છે...

હાઈકોર્ટે PIL મામલે પહેલા રજિસ્ટ્રી વિભાગમાં જવા કહ્યું

આજે મુખ્ય ન્યાયાધીશ ડી.કે.ઉપાધ્યાય અને ન્યાયમૂર્તિ આરિફ ડોક્ટરની ખંડપીઠ સમક્ષ વકીલ અહમદ આબ્દી અને એકનાથ ઢોલકેએ પીઆઈએલનો ઉલ્લેખ કર્યો.... ખંડપીઠે વકીલોને આદેશ આપ્યો કે, તેઓ પહેલા હાઈકોર્ટ રજિસ્ટ્રી વિભાગ દ્વારા પીઆઈએલમાં ઉઠાવાયેલા વાંધાઓને દૂર કરે અને પછી અરજીનો ફરી ઉલ્લેખ કરે...

પક્ષપલટુઓને લઈ અરજીમાં કરાઈ આ માંગ

અરજીમાં માંગ કરવામાં આવી છે કે, અદાલત જાહેર કરે કે, મૂળ રાજકીય પક્ષ છોડીને અલગ થયેલ ધારાસભ્ય અથવા ધારાસભ્યોના જૂથનો અયોગ્યતા સંબંધિત અંતિમ નિર્ણય ન આવે, ત્યાં સુધી તેઓ સંસદની કાર્યવાહીમાં ભાગ લેવા માટે તેમજ કોઈપણ બંધારણીય પદ પર રહેવા માટે હકદાર નથી. મેનને કહ્યું કે, આ પીઆઈએલ મહારાષ્ટ્રમાં જૂન-2022માં સર્જાયેલા રાજકીય સંકટની ભૂમિ પર દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, ગત વર્ષે મહારાષ્ટ્રમાં મોટું રાજકીય સંકટ સર્જાયું હતું, ત્યારે ઉદ્ધવ ઠાકરે જૂથના ઘણા નેતાઓએ પક્ષપલટો કર્યો હતો, જેના કારણે મહા વિકાસ અઘાડી સરકારનું પતન થયું હતું.