રશિયાના ગોળીબારના જવાબમાં યુક્રેને ક્રિમિયામાં વિસ્ફોટક ભરેલું ડેપો જ ડ્રોનથી ઉડાવી નાખ્યું

રશિયાના ગોળીબારના જવાબમાં યુક્રેને ક્રિમિયામાં વિસ્ફોટક ભરેલું ડેપો જ ડ્રોનથી ઉડાવી નાખ્યું

image : Twitter

યુક્રેને રશિયન શહેર પર ડ્રોન હુમલો કર્યો હોવાના અહેવાલ મળ્યાં છે. આ હુમલામાં યુક્રેને રશિયાના વિસ્ફોટકના ડેપોને ઉડાવી દીધો હતો, જેના કારણે વિસ્તારમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. અગાઉ રશિયાએ યુક્રેનના જુદા જુદા વિસ્તારોમાં ગોળીબાર કર્યો હતો. રશિયાના હુમલામાં પણ બે લોકો માર્યા ગયા હતા.

5 કિલોમીટરના વિસ્તારને ખાલી કરવા આદેશ અપાયો 

અહેવાલો અનુસાર યુક્રેનિયન ડ્રોને ક્રિમિયાના ઓક્ટ્યાબ્રસ્કી શહેરમાં રેલવે સ્ટેશન નજીક ડ્રોન હુમલો કર્યો હતો. જેના કારણે સમગ્ર આકાશ કાળા ધુમાડાથી ઢંકાઈ ગયું હતું. ક્રિમિયન વડા સર્ગેઈ અક્સ્યોનોવે જણાવ્યું હતું કે શનિવારે એક ડ્રોને વિસ્ફોટક મૂકી રાખવાના ડેપો પર હુમલો કર્યો હતો. હુમલાને કારણે 5 કિલોમીટરના વિસ્તારમાં દરેકને બહાર નીકળી જવાના આદેશ આપવામાં આવ્યા હતા. આ હુમલો રેલ્વે સ્ટેશન પાસે થયો હોવાથી અનેક ટ્રેનો પણ તેના કારણે ખોરવાઈ ગઈ હતી. જો કે હજુ સુધી કોઈ જાનહાનિની ​​માહિતી સામે આવી નથી.

રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો હતો

અહેવાલ મુજબ રશિયાએ શનિવારે ખારકિવ ક્ષેત્રના કુપ્યાન્સ્ક શહેર પર હુમલો કર્યો હતો. ફાયરિંગમાં 57 વર્ષીય વૃદ્ધ મહિલાનું મોત થયું હતું. આ ઉપરાંત, રશિયન સૈનિકોએ ડ્વોરિચના શહેરમાં પણ ગોળીબાર કર્યો હતો. અહીં એક 45 વર્ષીય નાગરિકનું મોત થયું હતું. જ્યારે, એક વૃદ્ધ વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ છે અને જીવન-મૃત્યુ વચ્ચે લડી રહ્યો છે. આ ઉપરાંત ખારકિવના વેલીકી બુર્લુકમાં 30 વર્ષીય વ્યક્તિ ઘાયલ થયો હતો. 

Share: