યોગીની કલમથીઃ કલ્યાણ સિંહ… એક રાજકીય સંત જેમણે સત્તાથી ઉપર શ્રીરામને સ્થાન આપ્યું

યોગીની કલમથીઃ કલ્યાણ સિંહ… એક રાજકીય સંત જેમણે સત્તાથી ઉપર શ્રીરામને સ્થાન આપ્યું


– કલ્યાણ સિંહ, મંદિર આંદોલનના અગ્રણી નેતાઓમાં હતા. મંદિર માટે સત્તા છોડતા તેમણે એક ક્ષણ પણ ન લગાવી. સત્તામાં આવા લોકો વિરલે જ મળશે.

નવી દિલ્હી, તા. 22 ઓગષ્ટ, 2021, રવિવાર

ઉત્તર પ્રદેશના રાજકારણના તખ્તાને દશકાઓ સુધી પોતાની આભા વડે પ્રકાશિત કરનારા શ્રદ્ધેય કલ્યાણ સિંહ નથી રહ્યા. આજે તેમનું દેહાવસાન થઈ ગયું. અપાર શોકની આ ઘડીમાં વિચારી રહ્યો છું કે, હવે જ્યારે તેઓ આપણા વચ્ચે નથી, તો તેમને કઈ રીતે યાદ કરવા જોઈએ. તેમને એક રાજકીય સંત કહું, જેમને પદ-પ્રતિષ્ઠાનો મોહ સ્પર્શ્યો પણ ન હોય કે દૃઢ સંકલ્પની પ્રતિમૂર્તિ માનું જે લક્ષ્યનું સંધાન થાય ત્યાં સુધી અર્જુનના જેમ એકનિષ્ઠ ભાવ સાથે સતત પ્રયત્નશીલ રહે અને અંતતઃ સફળતાએ તેમનું વરણ કર્યું. હકીકતે 5 દશકા લાંબુ તેમનું સાર્વજનિક જીવન એટલું વૈવિધ્યપૂર્ણ અને સંઘર્ષપૂર્ણ રહ્યું કે, તેને અમુક વિશેષણોના માધ્યમથી પૂરૂ ન કરી શકાય. 

હા! આ વિસ્તૃત સમૃદ્ધ રાજકીય કાલખંડમાં શુચિતા, કર્તવ્યપરાયણતા, ઈમાનદારી, સખત પ્રશાસક અને કુશળ નેતૃત્વ તેમના વ્યક્તિત્વની ઓળખ ચોક્કસ બની રહ્યા. ભારતીય રાજકારણના એક બૃહદ કાલખંડમાં ભારતરત્ન શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયી, પૂર્વ ઉપ પ્રધાનમંત્રી લાલ કૃષ્ણ અડવાણી અને કલ્યાણ સિંહની ત્રિપુટીમાં ભારતીય જનમાનસની આકાંક્ષાઓની છબિ સ્પષ્ટ દૃષ્ટિગોચર થતી હતી. હું સૌભાગ્યશાળી છું કે, આ ત્રણેયનો સહયોગ અને સ્નેહ પામવાની યોગ્યતા મારામાં બની રહી. 

આંદોલનના અગ્રણી 

કલ્યાણ સિંહ, શ્રીરામ મંદિર આંદોલનના અગ્રણી નેતૃત્વકર્તાઓમાંથી એક હતા. મંદિર માટે સત્તા છોડવા માટે તેમણે એક ક્ષણ પણ નહોતી લગાવી. તેમનું આ કથન પ્રભુ શ્રીરામ પ્રત્યે તેમની આસ્થાની ઝલક છે. “……પ્રભુ શ્રીરામમાં મને અગાધ શ્રદ્ધા છે. હવે મને જીવનમાં બીજું કશું નથી જોઈતું. રામ જન્મભૂમિ પર મંદિર બનતું જોવાની ઈચ્છા હતી. એ હવે પૂરી થઈ ગઈ. સત્તા તો બહુ નાની વસ્તુ છે, આવતી-જતી રહેશે. મને સરકાર જવાનું ન ત્યારે દુખ હતું, ન હવે છે. મેં સરકારની પરવા કદી નથી કરી. મેં પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે, કારસેવકો પર ગોળી નહીં ચલાવું. અન્ય જે પણ ઉપાયો હોય તેના વડે સ્થિતિને નિયંત્રણમાં લેવામાં આવે…” સત્તામાં આવા લોકો વિરલા જ મળશે. ખરેખર તેમના માટે ભગવાન શ્રીરામ પહેલા હતા, સત્તા એના પછી. આ કારણે જ અયોધ્યામાં 6 ડિસેમ્બર, 1992ના રોજ વિવાદિત ધ્વસ્ત કરવામાં આવ્યો ત્યાર બાદ એક મુખ્યમંત્રી તરીકે તેમણે સંપૂર્ણ જવાબદારી પોતાના પર લઈ લીધી. એ જ તેમની મહાનતા હતી અને ત્યાગ પણ. 

અતૂટ વિશ્વાસ

મારા દાદા ગુરૂ બ્રહ્મલીન મહંત દિગ્વિજય નાથ અને પૂજ્ય ગુરૂદેવ બ્રહ્મલીન મહંત અવેધનાથ પણ મંદિર આંદોલનના અગ્રણી નેતૃત્વકર્તાઓ હતા એટલે જ્યારે પણ તેમના સાથે મુલાકાત થતી કે તેઓ ગોરખનાથ મંદિર આવતા તો મંદિર આંદોલન અને અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણને લઈ પૂજ્ય ગુરૂદેવ સાથે તેમની લાંબી ચર્ચા થતી. તેમને અતૂટ વિશ્વાસ હતો કે, પ્રભુ શ્રીરામનું ભવ્ય અને દિવ્ય મંદિર જન્મભૂમિ પર જ બનશે. જ્યારે પણ મંદિર આંદોલન અંગે ચર્ચા થતી ત્યારે તેઓ કહેતા કે મંદિર નિર્માણનું કામ મારા જીવનકાળમાં જ શરૂ થશે. પ્રભુ શ્રીરામે તેમનું સાંભળ્યું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય જનમાનસની 500 વર્ષોની પ્રતીક્ષાને પૂર્ણતા પ્રદાન કરીને મંદિર નિર્માણનો શુભારંભ કર્યો. આજે કોટિ-કોટિ આસ્થાના પ્રતીક મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામના ભવ્ય-દિવ્ય મંદિરનું નિર્માણ અવધપુરીમાં સતત ચાલી રહ્યું છે. 

ગોરક્ષપીઠથી લગાવ

ગોરક્ષપીઠની 3 પેઢીઓ (બ્રહ્મલીન મહંત દિગ્વિજય નાથ, બ્રહ્મલીન મહંત અવેધનાથ અને આજે હું, પોતે) મંદિર આંદોલન સાથે સંકળાયેલી રહી. આ સંબંધે પીઠ સાથે તેમને ખાસ લગાવ હતો. તેઓ મોટા મહારાજ બ્રહ્મલીન મહંત અવેધનાથનું ખૂબ જ સન્માન કરતા હતા. આ કારણે જ જ્યારે ગોરખપુર જતા ત્યારે તે અમારા પૂજ્ય ગુરૂજીને મળવા જરૂર જતા હતા. બંનેનું એક જ સપનુ હતું કે તેમના જીવતેજીવ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થાય. આ મારૂ સૌભાગ્ય છે કે, જ્યારે જન્મભૂમિનું તાળુ ખુલ્યું ત્યારે પૂજ્ય દાદા ગુરૂ બ્રહ્મલીન મહંત દિગ્વિજયનાથજી આંદોલન સાથે જોડાયા હતા. જ્યારે ઢાંચો ધ્વસ્ત કરાયો ત્યારે અમારા પૂજ્ય ગુરૂ બ્રહ્મલીન અવેધનાથજી મંદિર આંદોલનના અગ્રણી નેતા હતા અને જ્યારે અયોધ્યામાં પ્રભુ શ્રીરામનું ભવ્ય અને દિવ્ય મંદિર બની રહ્યું છે ત્યારે હું ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીનું દાયિત્વ નિર્વહન કરી રહ્યો છું. 

પ્રેરણાના સ્ત્રોત

સમાજ, કલ્યાણ સિંહજીને તેમના યુગાંતરકારી નિર્ણયો, કર્તવ્યનિષ્ઠા અને શુચિતાપૂર્ણ જીવન માટે સદીઓ સુધી સ્મરણ કરીને પ્રેરિત થતો રહેશે. કલ્યાણ સિંહ, મંદિર આંદોલનના અગ્રણી નેતાઓમાં હતા. મંદિર માટે સત્તા છોડતા તેમણે એક ક્ષણ પણ ન લગાવી. સત્તામાં આવા લોકો વિરલે જ મળશે. 

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી, રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ ભારતીય જનતા પાર્ટી પરિવારના વરિષ્ઠ સદસ્ય અને લોકપ્રિય જનનેતા કલ્યાણ સિંહનું દેહાવસાન સંપૂર્ણ રાષ્ટ્ર માટે અપૂરણીય ક્ષતિ છે. હું તેમના અવસાન પર વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પિત કરૂ છું. પ્રભુ શ્રી રામને પ્રાર્થના છે કે દિવંગત પુણ્યાત્માને પોતાના શ્રીચરણોમાં સ્થાન આપે અને શોક-સંતપ્ત પરિવારજનોને દુખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે. 

Share: