મ.પ્રદેશમાં પેટ્રોલ રૂ. 120ને પાર : દિવાળી પહેલાં દેશમાં એલપીજીના ભાવ વધવાની વકી

મ.પ્રદેશમાં પેટ્રોલ રૂ. 120ને પાર : દિવાળી પહેલાં દેશમાં એલપીજીના ભાવ વધવાની વકી


– બે દિવસના વિરામ પછી પેટ્રોલ-ડીઝલ બંનેમાં 35 પૈસાનો વધારો

– એલપીજી સિલિન્ડર રૂ. 906માં વેચ્યા પછી પણ ઓઇલ કંપનીઓને બાટલા દીઠ રૂ.100નું નુકસાન જતું હોવાના અહેવાલ

– દિલ્હીમાં પેટ્રોલ  રૂ. 107.94, ડીઝલ રૂ. 96.97  મુંબઇમાં પેટ્રોલ રૂ. 113.80, ડીઝલ  રૂ. 104.75

ભોપાલ : બે દિવસના વિરામ પછી આજે ફરી એક વખત પેટ્રોલ અને ડીઝલ બંને ભાવમાં ૩૫ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. મધ્ય પ્રદેશન સરહદી જિલ્લાઓમાં પેટ્રોલનો ભાવ ૧૨૦ રૂપિયાને પાર થઇ ગયો છે અને ડીઝલ ૧૧૦ રૂપિયાને નજીક પહોંચી ગયો છે. આ ઉપરાંત છત્તીસગઢ અને મહારાષ્ટ્રની સરહદ સાથે જોડાયેલ બાલાઘાટમાં પેટ્રોલનો ભાવ ૧૧૯.૨૩ રૂપિયા થઇ ગયો છે. આગામી સપ્તાહમાં એલપીજી સિલિન્ડરના ભાવ પણ વધવાની શક્યતા છે. 

અનુપ્પુરના બિજરુમાં પેટ્રોલ પંપના માલિક અભિષેક જૈસવાલના જણાવ્યા અનુસાર આજે ૩૬ પૈસાના વધારા પછી પેટ્રોલનો ભાવ વધીને ૧૨૦.૪ રૂપિયા થઇ ગયો છે. ૩૭ પૈસાના વધાારાને કારણે ડીઝલનો ભાવ વધીને ૧૦૯.૧૭ રૂપિયા થઇ ગયો છે. 

જૈસવાલના જણાવ્યા અનુસાર જિલ્લા મુખ્યમથકેથી ૨૫૦ કિમી દૂર આવેલા જબલપુર ઓઇલ ડેપોમાંથી અનુપ્પુરમાં પેટ્રોલ લાવવામાં આવે છે. જેના કારણે રાજ્યના અન્ય વિસ્તારોની સરખામણીમાં અહીં પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધુ જોવા મળે છે. 

આ દરમિયાન ભોપાલમાં પેટ્રોલનો ભાવ વધીને ૧૧૬.૬૨ રૂપિયા અને ડીઝલનો ભાવ વધીને ૧૦૬.૦૧ રૂપિયા થઇ ગયો છે. મધ્ય પ્રદેશના સરહદી વિસ્તારોના પેટ્રોલ પંપ માલિકોના જણાવ્યા અનુસાર છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તુ હોવાથી મોટા ભાગના વાહનાચાલકો આ રાજ્યોમાં જ જઇને પેટ્રોલ અને ડીઝલ પુરાવી રહ્યાં છે. જેના કારણે અહીંના પેટ્રોલ પંપોનો બિઝનેસ ઘટી ગયો છે. 

આ દરમિયાન સૂત્રોના જણાવ્યા અનુસાર ઓઇલ કંપનીઓને એક એલપીજી સિલિન્ડરના વેચાણમાં થતું નુકસાન વધીને ૧૦૦ રૂપિયા થઇ ગયો છે. જેના કારણે આગામી સપ્તાહમાં એલપીજી સિલિન્ડરના ભાવ વધવાની શક્યતા છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર એલપીજી સિલિન્ડરના ભાવ કેટલા વધશે તે સરકારની મંજૂરી પર આધાર રાખશે. આ અગાઉ ૬ ઓક્ટોબરના રોજ એલપીજી સિલિન્ડરના ભાવમાં ૧૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જુલાઇથી અત્યાર સુધીમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં ૯૦ રૂપિયાનો વધારો થયો છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય સ્તરે કીંમતો વધવાને કારણે એલપીજી સિલિન્ડરના વેચાણ પર થતું નુકસાન વધીને ૧૦૦ રૂપિયાને પાર થઇ ગયું છે. આ મહિને સઉદી એલપીજીનો ભાવ ૬૦ ટકા વધીને ૮૦૦ ડોલર પ્રતિ ટન થઇ ગયો છે. જ્યારે ક્રૂડનો ભાવ વધીને ૮૫.૪૨ ડોલર પ્રતિ બેરલ થઇ ગયો છે. 

ગુજરાતના મુખ્ય શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ

શહેર

પેટ્રોલ રૂ.

ડીઝલ રૂ.

અમદાવાદ

૧૦૪.૫૪

૧૦૪.૧૫

વડોદરા

૧૦૪.૦૫

૧૦૩.૬૬

સુરત

૧૦૪.૩૮

૧૦૪.૦૩

રાજકોટ

૧૦૪.૨૨

૧૦૩.૮૭

ભાવનગર

૧૦૬.૫૪

૧૦૬.૧૮

ભુજ

૧૦૪.૮૯

૧૦૪.૫૧

Share: