×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મુંબઈમાં જળબંબાકાર, 24 કલાક માટે રેડ એલર્ટ, 25 લોકોનાં મોત, CM ઉધ્ધવે બેઠક બોલાવી

મુંબઇ, 18 જુલાઇ 2021 રવિવાર

મુંબઈમાં આખી રાત પડેલા ભારે વરસાદને કારણે મકાન ધરાશાયી થવાની ઘટનામાં 25 લોકોનાં મોત નીપજ્યાં છે. આ સાથે જ શહેરમાં મુશળધાર વરસાદને કારણે પાણી ભરાવાના કારણે લોકલ ટ્રેન સેવાઓ અને ટ્રાફિકને પણ અસર થઈ છે. આ દરમિયાન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મુંબઈ મ્યુનિસિપલ કમિશનર આઈ.એસ. ચહલ સાથે વાત કરી હતી અને બચાવ અને રાહત કામગીરીની સમીક્ષા કરી. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), મ્યુનિસિપલ કર્મચારીઓ, ફાયર બ્રિગેડ અને પોલીસ કર્મચારીઓ વચ્ચે બચાવ કામગીરી માટે વધુ સારા સમન્વય સુનિશ્ચિત કરવા તેમણે અધિકારીઓને નિર્દેશ આપ્યા. વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઠાકરેએ સાંજે 6 વાગ્યે બેઠક પણ બોલાવી છે.

અધિકારીઓએ જણાવ્યું કે પશ્ચિમ રેલ્વે અને મધ્ય રેલ્વેએ ભારે વરસાદને કારણે મુંબઇમાં ઉપનગરીય ટ્રેન સેવાઓને હંગામી ધોરણે સ્થગિત કરી દીધી છે અને ઘણા લાંબા અંતરની ટ્રેનોને કાં તો અન્ય સ્ટેશનોથી ડાયવર્ટ કરવામાં આવી છે અથવા અન્ય સ્ટેશનોથી સંચાલિત કરવામાં આવી છે, એક અધિકારીઓએ જણાવ્યું કે પર્વતીય વિસ્તારમાં ભારે વરસાદને કારણે સર્જાયેલા ભૂસ્ખલનમાં 17 લોકોના મોત થયા છે. અધિકારીએ જણાવ્યું કે, મુંબઇના માહુલ વિસ્તારમાં વાશી નાકામાં મોડી રાત્રે લગભગ 1 વાગ્યે એક ઝાડ પડતા તેની બાજુમાં આવેલા મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી. આ ઘટનામાં સાત લોકો ઘાયલ થયા છે, ઘાયલો નજીકની રાજાવાડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અધિકારીએ જણાવ્યું કે, ધોધમાર વરસાદને કારણે રાત્રે 2.30 વાગ્યે મુંબઇના વિક્રોલી પરામાં ભૂસ્ખલનને કારણે છ કાચા મકાનો ધરાશાયી થતાં સાત લોકોનાં મોત અને બેને ઇજાઓ પહોંચી હતી. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે, ઉપનગરીય ભાંડુપમાં વન વિભાગનાં પરિસરની દિવાલ ધરાશાઇ થતાં એક 16 વર્ષિય યુવકનું મોત નીપજ્યું છે.

રેલ્વે અધિકારીઓએ જણાવ્યું હતું કે, આખી રાત ભારે વરસાદને કારણે ટ્રેક પર પાણી ભરાવાના કારણે મધ્ય રેલ્વે અને પશ્ચિમ રેલ્વેની ઉપનગરીય ટ્રેન સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે સવારમાં આ સેવા પુન:સ્થાપિત કરવામાં આવી હતી. આ વરસાદે 26 જુલાઇ 2005ના રોજ 24 કલાકમાં 944 મીમી વરસાદની યાદ અપાવી દીધી હતી. બીએમસીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતના હવામાન વિભાગ (આઇએમડી) એ ભારે વરસાદની પૃષ્ઠભૂમિમાં મુંબઇ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. 

આઇએમડીએ રવિવારે સવારે જારી કરેલા બુલેટિનમાં જણાવ્યું છે કે જળવાયુ પરિસ્થિતિમાં અચાનક આવેલા પરિવર્તનના કારણે મુંબઈમાં છ કલાકમાં 100 મીમીથી વધુ વરસાદ થયો છે.