મુંબઇ સહિત મહારાષ્ટ્રના 25 જિલ્લાઓ થશે અનલોક, 11 માં કડક નિયંત્રણો

મુંબઇ સહિત મહારાષ્ટ્રના 25 જિલ્લાઓ થશે અનલોક, 11 માં કડક નિયંત્રણો

મુંબઇ, 29 જુલાઇ 2021 ગુરૂવાર

મહારાષ્ટ્રમાં કોરોનાનાં કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે, એટલે રાજ્ય સરકારે નિયંત્રણોમાં રાહતની જાહેરાત કરી છે. રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ ગુરુવારે જણાવ્યું કે મુંબઈ સહિત રાજ્યના 25 જિલ્લાઓમાં જ્યાં કોરોના ચેપ દર રાજ્ય સરેરાશથી નીચે છે ત્યાં નિયંત્રણોને હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, તેમણે એમ પણ કહ્યું કે શનિવારે કેટલાક નિયંત્રણોની સાથે અનલોક કરવામાં આવશે, જો કે રવિવારે આ પ્રતિબંધો પહેલાની જેમ જ ચાલુ રહેશે.

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં કોવિડ ટાસ્ક ફોર્સની બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા ટોપેએ જણાવ્યું કે, રસીના બંને ડોઝ મેળવનારા લોકોને લોકલ ટ્રેનમાં મુસાફરીની છુટ આપવાની વિચારણા સરકાર કરી રહી છે. ટોપેએ કહ્યું કે બાકીના 11 જિલ્લાઓમાં કે જ્યાં કોરોના ચેપનો દર વધારે છે ત્યાં વધુ કડક પ્રતિબંધો લાદવામાં આવશે.

ટોપેએ જણાવ્યું કે, “અમે મુંબઇ સહિત તે 25 જિલ્લાઓમાં પ્રતિબંધોમાં રાહત આપવાનો નિર્ણય લીધો છે, જ્યાં રાજ્યના સરેરાશ કરતા કોરોના ચેપનો દર ઘણો ઓછો છે.” જો કે મંત્રીએ એમ પણ કહ્યું કે પુણે, સોલાપુર, સાંગલી, સતારા, કોલ્હાપુર, પાલઘર, રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ, બીડ અને અહેમદનગરમાં કોરોના ચેપનું પ્રમાણ વધુ છે. તેથી ત્યાં પ્રતિબંધો લંબાવી શકાય છે. તેમણે કહ્યું, “જો જરૂર પડી તો સ્થાનિક વહીવટી તંત્ર કોરોના સંક્રમણને રોકવા માટે વધુ કડક પ્રતિબંધ લાદી શકે છે.”

રાજેશ ટોપેએ કહ્યું, “અમે 25 જિલ્લામાં પ્રતિબંધોમાં રાહત આપવાનો નિર્ણય લીધો છે. જે મુજબ દુકાનો, થિયેટરો, સિનેમા હોલ, જીમ વગેરેના સંચાલનમાં રાહત આપવામાં આવશે. લગ્ન સમારોહ વગેરે ઉપર પ્રતિબંધો ચાલુ રહેશે. એસી હોલનો ઉપયોગ પણ નિયંત્રિત કરવામાં આવશે. ”ટોપેએ વધુમાં કહ્યું કે, “શનિવારે સ્થળો કેટલીક મર્યાદા સાથે ખુલી જશે, પ્રતિબંધો રવિવારે પણ ચાલુ રહેશે. વિગતવાર ગાઇડલાઇન્સ આગામી 2-3 દિવસમાં જારી કરવામાં આવશે. હોટલો અને દુકાનોનાં શરૂઆતના કલાકો રાત્રે 8-9 સુધી લંબાવાઈ શકે છે. પરંતુ તેઓએ સુનિશ્ચિત કરવું પડશે છે કે સ્ટાફને રસીના બંને ડોઝ લગાવવામાં આવ્યા હોય. 50 ટકા ક્ષમતા સાથે ચાલું કરવાની છૂટ આપવામાં આવશે.

Share: