×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

માતા-પિતાને સાચવો નહીં તો સંપત્તિમાંથી હાથ ધોવા પડશે


- ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર કાયદામાં સુધારા કરશે

- ટ્રિબ્યૂનલના આદેશ પછી 30 દિવસમાં સંતાનોએ ઘર ખાલી કરવું પડશે, નહીં તો પોલીસની મદદ લેવામાં આવશે

- ઉ. પ્રદેશમાં વૃદ્ધ માતા પિતાનું ધ્યાન ન રાખતા કે પરેશાન કરતા સંતાનોને ઘરમાંથી કાઢી મુકવા વધુ સરળ બનાવાશે

લખનઉ : દેશમાં વૃદ્ધ માતા પિતાને પોતાના જ સંતાનો દ્વારા ઘરમાંથી કાઢી મુકવાની કે મારપીટ કરવા અથવા ત્રાસ આપવાની ઘટનાઓ સામે આવતી હોય છે. આ સ્થિતિ વચ્ચે ઉત્તર પ્રદેશ સરકાર કાયદામાં સુધારો કરવા જઇ રહી છે અને આવા પીડિત માતા પિતાને પોતાની સંપત્તિમાંથી સંતાનોને કાઢી મુકવાની સરળ સત્તા આપવા જઇ રહી છે. જે સંતાનો પોતાના વૃદ્ધ માતા પિતાને ત્રાસ આપતા હોય તેમને ઘરમાંથી કે સંપત્તિમાંથી કાઢી મુકવા વધુ સરળ બનાવવામાં આવશે. સાથે જ આવા સંતાનો પાસેથી માતા પિતાની સંપત્તિમાં જે અધિકાર મળ્યો છે તેને પરત લઇ લેવામાં આવશે.  

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યના સોશિયલ વેલફેર વિભાગને આદેશ આપ્યો છે કે કાયદામાં સુધારા માટે એડવોકેટ જનરલની સલાહ લેવામાં આવે અને બાદમાં કેબિનેટ સમક્ષ આ સુધારાનો પ્રસ્તાવ રજુ કરવામાં આવે. હાલમાં ઉત્તર પ્રદેશમાં ૨૦૧૨થી કેન્દ્ર સરકારના માતા પિતાના ભરણપોષણ અને સીનિયર સિટિઝન કાયદા ૨૦૦૭નો અમલ કરવામાં આવ્યો છે. જેના નિયમો ૨૦૧૪માં ઘડવામાં આવ્યા હતા. યોગી સરકાર જે સુધારા કરવા જઇ રહી છે તેમાં આ કાયદામાં નવા નિયમો ૨૨-એ, ૨૨-બી, ૨૨-સી ઉમેરવામાં આવશે. 

જે નવા નિયમો ઉમેરવામાં આવશે તેનો ઉદ્દેશ્ય એવા વૃદ્ધ માતા પિતાનું રક્ષણ કરવાનો છે કે જેમને તેમના સંતાનો સતાવતા હોય અને સંપત્તિ ખાલી પણ ના કરતા હોય. 

આ નિયમો લાગુ થઇ ગયા બાદ ઉત્તર પ્રદેશમાં જો કોઇ સંતાન કે સગા સંબંધીઓ વૃદ્ધોને પરેશાન કરતા હોય અને તેમની કાળજી પણ ન રાખતા હોય તો તેવા મામલામાં પીડિત વૃદ્ધો પોતાની સંપત્તિમાંથી પોતાના સંતાનો કે સગાઓને સરળતાથી કાઢી મુકવા સક્ષમ રહેશે. કોઇ પણ સીનિયર સિટિઝન આ માટે મેઇન્ટેનન્સ ટ્રિબ્યૂનલમાં અરજી કરી શકશે. ટ્રિબ્યૂનલ બાદમાં સંતાનોને ઘર કે સંપત્તિ ખાલી કરવાના આદેશ આપશે, આ આદેશનું ૩૦ દિવસમાં પાલન ના થયું તો બાદમાં ટ્રિબ્યૂનલ પોલીસની મદદથી ખાલી કરાવશે. પોલીસે આવા આદેશોનું યોગ્ય રીતે પાલન કરાવવાનું રહેશે. ડીએમ આવા કેસોનો માસિક રિપોર્ટ સરકારને સોપશે. જો ટ્રિબ્યૂનલના ચુકાદાથી સીનિયર સિટિઝન સંતુષ્ટ ના હોય તો તેને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ હેઠળની ટ્રિબ્યૂનલમાં તેને પડકારી શકશે.

અસક્ષમ માતા પિતાને ભરણપોષણ આપવા માટે સંતાનો બંધાયેલા

માતા પિતાને સંતાનો પાસેથી ભરણપોષણ મેળવવાનો અધિકાર બે કાયદાઓ હેઠળ આપવામાં આવ્યો છે. સીપીસી ૧૯૭૩ના કાયદાની કલમ ૧૨૫ હેઠળ અથવા તો ૨૦૦૭ના સિનિયર સિટિઝન કાયદા હેઠળ આવા માતા પિતા પોતાના સંતાનો પાસેથી ભરણપોષણ માટે ટ્રિબ્યૂનલમાં અરજી કરી શકે છે. જોકે કોઇ એક જ કાયદા હેઠળ આ અરજી કરવાની હોય છે. દત્તક લીધેલા સંતાન પાસેથી પણ ભરણપોષણ મેળવવાનો માતા પિતાને આ કાયદા હેઠળ અધિકાર અપાયો છે. જોકે અહીં એક શરત એ છે કે જે માતા પિતા પોતાનું ધ્યાન રાખવા માટે શારીરિક કે માનસીક રીતે સક્ષમ ન હોય તેવા લોકો જ આ ભરણપોષણની માગ કરી શકે છે. જે માતા પિતાને કોઇ સંતાન ના હોય અને તેમની સંપત્તિ તેમના મૃત્યુ પછી જે સગા સંબંધીના નામે થવાની હોય તેની પાસેથી પણ તેઓ ભરણપોષણ માગી શકે છે. જો માતા પિતા ભરણપોષણની અરજી કરવા માટે સક્ષમ ના હોય તે તેઓ આવી અરજી કરવાની સત્તા અન્ય વ્યક્તિને પણ આપી શકે છે. જો ટ્રિબ્યૂનલ ભરણપોષણનો આદેશ આપે અને તેનું પાલન સંતાનો ના કરે તો ફરી ટ્રિબ્યૂનલ પાસે માતા પિતા જઇ શકે છે. તેમ છતા આદેશનું પાલન ન થાય તો એક મહિનાની સજા અને ભરણપોષણ ન આપે ત્યાં સુધી તેને લંબાવવામાં પણ આવી શકે છે.