મહિલાઓની લાઇવ હરાજી કરતી યુટ્યુબ ચેનલ અને એપ સામે કડક કાર્યવાહી કરો: પ્રિયંકા ચતુર્વેદી

મહિલાઓની લાઇવ હરાજી કરતી યુટ્યુબ ચેનલ અને એપ સામે કડક કાર્યવાહી કરો: પ્રિયંકા ચતુર્વેદી

નવી દિલ્હી, 30 જુલાઇ 2021 શુક્રવાર

શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ આઈટી મંત્રીને લખેલો પત્ર ટ્વીટ કર્યો છે. પત્રમાં તેમણે મહિલાઓની લાઇવ હરાજી પ્રસારિત કરતી યુટ્યુબ ચેનલ અને એક એપ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. શિવસેનાનાં સાંસદે કહ્યું છે કે આ યુટ્યુબ ચેનલ ચોક્કસ સમુદાયની મહિલાની લાઇવ હરાજી પ્રસારિત કરે છે. તેમણે કહ્યું કે એપ પર ઘણી મહિલાઓની તસવીરો પોસ્ટ કરવામાં આવી છે જે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સમાંથી લેવામાં આવી છે.

ચતુર્વેદીએ પત્રમાં લખ્યું છે કે ‘થોડા મહિના પહેલા ‘લિબરલ દોજે’ (Liberal Doge) નામની યુટ્યુબ ચેનલે કોઈ એક ખાસ સમુદાયની મહિલાની લાઇવ હરાજી પ્રસારિત કરી હતી. લોકો મહિલા પર બોલી લગાવી રહ્યા હતા અને અભદ્ર ટિપ્પણી કરી રહ્યા હતા. ‘સુલ્લી ડીલ્સ’ (Sulli Deals) નામની એપ પર ઘણી પ્રોફેશનલ મહિલાઓનાં ફોટા પોસ્ટ કરવામાં આવ્યા છે.

સાંસદ ચતુર્વેદીએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે ‘સુલ્લી ડીલ્સ’ દ્વારા જે રીતે એક ધર્મની મહિલાઓને નિશાન બનાવવામાં આવી રહી છે તે ખૂબ જ ખેદજનક અને નિંદનીય છે, આ સંદર્ભમાં આઇટી મંત્રીને મારો પત્ર.

Share: