મહારાષ્ટ્ર: CM એકનાથ શિંદેની કેબિનેટમાં કોને કયુ ખાતુ સોંપાયુ, જાણો

મહારાષ્ટ્ર: CM એકનાથ શિંદેની કેબિનેટમાં કોને કયુ ખાતુ સોંપાયુ, જાણો

મુંબઈ, તા. 14 ઓગસ્ટ 2022 રવિવાર

મહારાષ્ટ્રમાં ખૂબ જ વિલંબ બાદ શિંદે સરકારના મંત્રીમંડળમાં વિભાગોની વહેંચણી રવિવારે કરી દેવાઈ છે. આ દરમિયાન મુખ્યમંત્રી એકનાથ શિંદેને MRDC અને શહેરી વિકાસ વિભાગની જવાબદારી મળી છે. નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ગૃહ અને નાણા મંત્રાલયની જવાબદારી મળી છે. ચંદ્રકાન્ત પાટીલને ઉચ્ચ અને ટેકનોલોજી શિક્ષણ વિભાગ અને સુધીર મુનઘનીતવારને વન વિભાગની જવાબદારી મળી છે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીની મંજૂરી બાદ વિભાગની ફાળવણીની જાહેરાત કરવામાં આવી છે. 

શિંદે કેબિનેટમાં 9 ઓગસ્ટે કુલ 18 મંત્રીઓએ શપથ લીધા હતા જેમાં બીજેપીના 9 અને શિંદે જૂથના 9 મંત્રી સામેલ છે. મહારાષ્ટ્ર મંત્રી પરિષદના સભ્યોની સંખ્યા 20 છે. શિંદે કેબિનેટ વિસ્તરણમાં કોઈ પણ મહિલા નેતાને મંત્રી બનાવાયા નથી. કેબિનેટમાં મરાઠા અને ઓબીસી સમુદાયમાંથી આવતા નેતાઓમાં ખાસ 

ધ્યાન અપાયુ છે. જોકે બ્રાહ્મણની સાથે-સાથે મુસ્લિમ, દલિત અને આદિવાસી સમુદાયને પણ સ્થાન આપીને એક મજબૂત સોશિયલ એન્જિનિયરિંગ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

સીએમના હાથમાં આ વિભાગોની કમાન

મુખ્યમંત્રી એકનાથ શિંદેના જણાવ્યા અનુસાર, સામાન્ય વહીવટ, શહેરી વિકાસ, માહિતી અને ટેકનોલોજી, માહિતી અને જનસંપર્ક, જાહેર કાર્યો (જાહેર પ્રોજેક્ટ), પરિવહન, માર્કેટિંગ, સામાજિક ન્યાય અને વિશેષ સહાય, રાહત અને પુનર્વસન, આપત્તિ વ્યવસ્થાપન, જમીન અને જળ સંરક્ષણ, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન, લઘુમતી અને વકફ તેમજ અન્ય વિભાગો કોઈપણ મંત્રીને ફાળવવામાં આવ્યા નથી. જેને અત્યારે મુખ્યમંત્રી જ જોશે.

દેવેન્દ્ર ફડણવીસને આ વિભાગોની જવાબદારી

નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ગૃહ, નાણા અને આયોજન, કાયદો અને ન્યાય, જળ સંસાધન અને લાભો ક્ષેત્ર વિકાસ, આવાસ, ઉર્જા અને રોયલ સૌજન્ય વિભાગોની જવાબદારી સોંપાઈ.

Share: