×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મહારાષ્ટ્રમાં કોરોનાને લઈ સરકાર સતર્ક, મુંબઈના મેયરે કહ્યું- આવી ગઈ ત્રીજી લહેર


- આ કોઈ રોકેટ સાયન્સ નથી. એ સરળ વાત છે કે, જો સાર્વજનિક સ્થળોએ ભીડ જમા થશે તો કેસ વધશેઃ રાજેશ ટોપે

નવી દિલ્હી, તા. 08 સપ્ટેમ્બર, 2021, બુધવાર

કોરોનાની બીજી લહેરે આખા દેશમાં જે તબાહી મચાવી તેને ધ્યાનમાં રાખીને સરકાર હવે સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટે તૈયારી કરી રહી છે. કેરળમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં ભારે મોટો ઉછાળો આવ્યો છે જેથી રાજ્ય સરકારે વિવિધ પ્રકારના પ્રતિબંધો લાગુ કરવા પડ્યા છે. ત્યારે હવે મહારાષ્ટ્રમાં સંભવિત ત્રીજી લહેરને લઈ સરકાર સતર્ક બની ગઈ છે. 

ઉદ્ધવ સરકાર લોકોને ચેતવણી આપી રહી છે જેથી કોરોનાના કેસમાં ઉછાળો ન આવે. આ તરફ મુંબઈના મેયરે કોરોનાની ત્રીજી લહેર આવી ગઈ હોવાનું જણાવ્યું હતું. 

મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીની શરૂઆત પહેલા કોરોના વાયરસની ત્રીજી લહેરને લઈ ચિંતા વધી છે. મુંબઈના મેયર કિશોરી પેડનેકરે લોકોને ઘરમાં જ ગણેશ ચતુર્થી ઉજવવા વિનંતી કરી છે. તેમણે જણાવ્યું કે, 'મુંબઈના મેયર તરીકે હું તો મારૂં ઘર, મારા બાપ્પા એમ ફોલો કરવા જઈ રહી છું. હું ક્યાંય નહીં જઉં અને ન કોઈને મારા ભગવાન પાસે આવવા દઉં. કોરોનાની ત્રીજી લહેર રોકવા માટે આ ખૂબ મહત્વપૂર્ણ છે.' મેયરે એવું પણ કહ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેર આવી નથી રહી પરંતુ અહીં જ છે. 

અગાઉ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ રાજ્યમાં વધી રહેલા કોરોના કેસના કારણે રાજકીય દળોને તમામ પ્રકારની રેલીઓ અને ધાર્મિક કાર્યક્રમો રદ કરવા વિનંતી કરી હતી. ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠકમાં મુખ્યમંત્રી ઠાકરે ઉપરાંત અજિત પવાર, બાલા સોહબ થોરાટ, અશોક ચવ્હાણ સહિત અન્ય કેટલાય મંત્રીઓ પણ સામેલ થયા હતા. બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, પબ્લિક હેલ્થ ખૂબ મહત્વપૂર્ણ છે. તહેવારો ભવિષ્યમાં પણ ઉજવાઈ શકે. જો કોરોનાના કેસ વધશે તો સ્થિતિ ખૂબ ખરાબ થઈ જશે. જો ત્રીજી લહેર આવતી રોકવી છે તો સ્વાસ્થ્ય પર ચોક્કસ ધ્યાન આપવું પડશે. 

આ તરફ ગણેશ ઉત્સવ પહેલા મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ ફરી એક વખત લોકોને સાર્વજનિક જગ્યાઓએ ભીડ એકઠી કરવાને લઈ ચેતવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, 'આ કોઈ રોકેટ સાયન્સ નથી. એ સરળ વાત છે કે, જો સાર્વજનિક સ્થળોએ ભીડ જમા થશે તો કેસ વધશે.'