મહારાષ્ટ્રના બુલઢાણામાં ભયાનક અકસ્માત, બે બસો સામસામે અથડાતા 6ના મોત, 21 મુસાફરો ઘાયલ

મહારાષ્ટ્રના બુલઢાણામાં ભયાનક અકસ્માત, બે બસો સામસામે અથડાતા 6ના મોત, 21 મુસાફરો ઘાયલ

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં વહેલી સવારે એક ભયાનક અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતમાં 6 લોકોના મોતના સમાચાર છે જ્યારે 21 મુસાફરો ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અક્સમાતના પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો છે પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મલકાપુર શહેર પાસે ઘટના બની

આ ઘટનાની વધુ વિગત મુજબ જિલ્લાના મલકાપુર શહેર પાસે નેશનલ હાઈવે-6 પર આ અકસ્માત થયો હતો. મલ્કાપુર પોલીસ સ્ટેશનના એસએચઓના જણાવ્યા અનુસાર, એક બસ અમરનાથ યાત્રીઓને લઈને હિંગોલી જઈ રહી હતી, જ્યારે બીજી બસ નાગપુરથી નાસિક જઈ રહી હતી ત્યારે વહેલી સવારે બંને બસોની સામસામે જોરદાર ટક્કર થતા અકસ્માતની ઘટના બની હતી.

મૃત્યુઆંક વધી શકે છે

અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરા-તફરી મચી ગઈ હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓએ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જેમાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘટના બાદ રોડ પરનો વાહનવ્યવહાર લાંબા સમય સુધી ખોરવાઈ ગયો હતો. અકસ્માતની ગંભીરતાને જોતા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે.

Share: