મન કી બાતઃ વોકલ ફોર લોકલનો મંત્ર આપણી જવાબદારી, સ્વચ્છતા અભિયાનને પણ ભૂલવાનું નથીઃ PM

મન કી બાતઃ વોકલ ફોર લોકલનો મંત્ર આપણી જવાબદારી, સ્વચ્છતા અભિયાનને પણ ભૂલવાનું નથીઃ PM


– આપણા દેશની વેક્સિન પર દેશવાસીઓનો આ વિશ્વાસ આપણી બહુ મોટી શક્તિ છે- વડાપ્રધાન

નવી દિલ્હી, તા. 30 જાન્યુઆરી, 2022, રવિવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ દ્વારા દેશની જનતાને સંબોધિત કરી હતી. આ મન કી બાતનો 85મો એપિસોડ હતો. આ વખતે પહેલી વખત મન કી બાત કાર્યક્રમ 11:30 કલાકે શરૂ થયો હતો. અત્યાર સુધી આ કાર્યક્રમનું પ્રસારણ 11:00 વાગ્યે જ થતું આવ્યું છે. ‘મન કી બાત’ વડાપ્રધાનનો માસિક રેડિયો કાર્યક્રમ છે જે દર મહિનાના અંતિમ રવિવારે પ્રસારિત થાય છે. વડાપ્રધાને આ વખતે કાર્યક્રમની શરૂઆત મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર તેમનું સ્મરણ કરીને કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘આજે આપણા પૂજ્ય બાપુની પુણ્યતિથિ છે, 30 જાન્યુઆરીનો આ દિવસ આપણને બાપુની શિક્ષાની યાદ અપાવે છે.’

વડાપ્રધાને કહ્યું કે, હજું થોડાં દિવસો પહેલા આપણે ગણતંત્ર દિવસ પણ ઉજવ્યો. દિલ્હીમાં રાજપથ ખાતે આપણે દેશના શૌર્ય અને સામર્થ્યની જે ઝાંકી જોઈ તેણે સૌને ગર્વ અને ઉત્સાહથી ભરી દીધા છે. ઈન્ડિયા ગેટ પર નેતાજીની ડીજિટલ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી તેનું દેશે જે પ્રકારે સ્વાગત કર્યું, દરેક દેશવાસીએ જે પ્રકારની લાગણી દર્શાવી તેને અમે કદી ભૂલી નહીં શકીએ. આઝાદીના અમૃત મહોત્સવમાં દેશ આ પ્રયત્નો દ્વારા પોતાના રાષ્ટ્રીય પ્રતીકોને પુનઃપ્રતિષ્ઠિત કરી રહ્યો છે. આપણે જોયું કે, ઈન્ડિયા ગેટ પાસે ‘અમર જવાન જ્યોતિ’ અને નજીકમાં ‘નેશનલ વોર મેમોરિયલ’ ખાતે પ્રજ્વલિત જ્યોતિને એક કરવામાં આવી. 

બસંતી દેવી આખું જીવન સંઘર્ષો વચ્ચે જીવ્યા

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘દેશમાં હાલ પદ્મ પુરસ્કારની પણ ઘોષણા થઈ. પદ્મ પુરસ્કાર મેળવનારાઓમાં અનેક નામ એવા છે જેમના અંગે ખૂબ ઓછા લોકો જાણે છે. તેઓ આપણા દેશના ગુમનામ નાયકો છે જેમણા સાધારણ પરિસ્થિતિઓમાં અસાધારણ કામ કર્યું છે. જેમ કે ઉત્તરાખંડના વસંતી દેવીજીને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. બસંતી દેવીએ પોતાનું સમગ્ર જીવન સંઘર્ષો વચ્ચે વિતાવ્યું છે. એ જ રીતે મણિપુરના 77 વર્ષીય લૌરેમ્બમ બીનો દેવી અનેક દશકાઓથી મણિપુરની લીબા ટેક્સટાઈલ આર્ટનું સંરક્ષણ કરી રહ્યા છે. તેમને પણ પદ્મશ્રી વડે સન્માનિત કરવામાં આવ્યા. મધ્ય પ્રદેશના અર્જુન સિંહને બૈગા આદિવાસી નૃત્યની કલાને ઓળખ અપાવવા માટે પદ્મ સન્માન મળ્યું છે.’

અમૃત મહોત્સવ પર અનેક પત્ર અને મેસેજ મોકલ્યા

વડાપ્રધાને કહ્યું કે, ‘અમૃત મહોત્સવ પર તમે બધા સાથીઓએ મને અનેક પત્રો અને મેસેજ મોકલ્યા હતા અને અનેક સૂચનો આપ્યા હતા. તેના અનુસંધાને કશુંક એવું બન્યું છે જે મારા માટે અવિસ્મરણીય છે. એક કરોડ કરતાં પણ વધારે બાળકોએ મને પોતાના મનની વાત પોસ્ટકાર્ડ દ્વારા લખી મોકલી છે. ભારતની આઝાદીના અમૃત મહોત્સવનો ઉત્સાહ ફક્ત આપણા દેશમાં જ નથી. ભારતના મિત્ર દેશ ક્રોએશિયાથી પણ મને 75 પોસ્ટકાર્ડ મળ્યા છે.’

Share: