મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી 1171 ગામો પૂરની ઝપેટમાં, સેનાનાં જવાનો બચાવ કાર્યમાં લાગ્યા

મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી 1171 ગામો પૂરની ઝપેટમાં, સેનાનાં જવાનો બચાવ કાર્યમાં લાગ્યા

નવી દિલ્હી, 2 ઓગસ્ટ 2021 મંગળવાર

મધ્યપ્રદેશમાં હવામાન વિભાગે 25 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ગ્વાલિયર, શિવપુરી, ગુના, અશોક નગર, દતિયા, શ્યોપુર, મુરૈના અને ભીંડમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાજ્યના અધિક મુખ્ય સચિવ (ગૃહ) રાજેશ રાજોરાએ જણાવ્યું કે શિવપુરી, શ્યોપુર, ગ્વાલિયર અને દતિયા જિલ્લામાં બચાવ કાર્ય માટે સેનાને બોલાવવામાં આવી છે. જ્યારે, મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પરિસ્થિતિ વિશે માહિતી આપી દીધી છે, તેમણે તમામ શક્ય મદદ પૂરી પાડવાની ખાતરી આપી છે.

અધિકારીઓએ જણાવ્યું કે, શિવપુરી જિલ્લાના પપરૌધા ગામમાં મંગળવારે સવારે પાંચ લોકોને બચાવવામાં આવ્યા હતા. આ સિવાય બીચી ગામમાં ત્રણ લોકો લગભગ 24 કલાક સુધી ઝાડ પર ફસાયેલા હતા. આ લોકો બચવા માટે ઝાડ પર ચઢી ગયા હતા અને બાદમાં જ્યારે તેમને બહાર નીકળવાનો કોઈ રસ્તો ન મળ્યો ત્યાંરે તેઓ ત્યાં જ રહ્યા. મુખ્યપ્રધાન ચૌહાણે માહિતી આપી કે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ની એક ટીમે એક બોટની મદદથી આ ત્રણ લોકોને બચાવ્યા હતા. તેમણે કહ્યું કે પૂર પ્રભાવિત વિસ્તારોનો હવાઈ સર્વે કરવામાં આવશે.

ચૌહાણે જણાવ્યું કે, ગ્વાલિયર-ચંબલ પ્રદેશના કુલ 1171 થી વધુ ગામો વરસાદને કારણે પ્રભાવિત થયા છે, ખાસ કરીને શિવપુરી અને શ્યોપુર, જ્યાં 800 મીમી વરસાદનાં કારણે પૂરની સ્થિતિ બની છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને SDRF એ 1600 લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડ્યા છે. 200 ગામો હજુ પણ પાણીમાં છે. મુખ્યમંત્રી ચૌહાણે માહિતી આપી કે અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને બચાવવા માટે બોટની મદદ લેવામાં આવી રહી છે.

તેમણે કહ્યું, “અતિવૃષ્ટિને કારણે મધ્યપ્રદેશના ગ્વાલિયર-ચંબલ ક્ષેત્રના 1100 થી વધુ ગામો પ્રભાવિત થયા છે. શિવપુરી અને શ્યોપુરમાં બે દિવસમાં 800 મીમી વરસાદ નોંધાયો છે. આ અનપેક્ષિત વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઈ છે. હું ગઈકાલથી પૂરગ્રસ્ત વિસ્તારોના સ્થાનિક વહીવટી તંત્ર સાથે સતત સંપર્કમાં છું. મણીખેડા ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે. અસરગ્રસ્ત ગામોને પહેલાથી જ ચેતવણી આપવામાં આવી હતી. લોકોને ઉંચા સ્થાનોએ મોકલીને સુરક્ષિત કરવામાં આવ્યા અને રાહત શિબિરો અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.

Share: