મધ્યપ્રદેશમાં કાર-ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 5 યુવકોના મોત, મૃતદેહો બહાર કાઢવા કાપવી પડી કાર

મધ્યપ્રદેશમાં કાર-ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 5 યુવકોના મોત, મૃતદેહો બહાર કાઢવા કાપવી પડી કાર
Image – Social Media

ખંડવા, તા.18 ઓગસ્ટ-2023, શુક્રવાર

મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાના પુનાસા નજીક સનાવડ રોડ પર દૌલતપુરા પાસે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત થયો છે, જેમાં 5 યુવકોના મોત થયા હતા. મૃત્યુ પામેલા પાંચેય યુવકો કસરવાડના રહેવાસી હતા. યુવકો ધંધાકીય કામ સંદર્ભે ગુરુવારે પુનાસા આવ્યા હતા. રાત્રે પરત ફરતી વખતે આ અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ગંભી હતો કે, કારના ફુરચા ઉડી ગયા છે અને કારને કટરથી કાપીને મૃતદેહોને બહાર કઢાયા છે. પુનાસા ચોકી નીચે દોલતપુરા ફાટક પાસે સામેથી આવતા ટ્રક સાથે કાર નંબર એમપી 09 ડબલ્યુજી 0293 ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો છે.

આ યુવકોના થયા મોત

કારમાં 5 યુવકો સવાર હતા, જેમાં 40 વર્ષીય ભારત, 30 વર્ષીય અલકેશ, 26 વર્ષીય મનીષ વર્મા, 36 વર્ષિક પુખરાજ નામદેવ અને 23 વર્ષીય આદિત્ય શર્માનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસ અને ગ્રામજનોની મદદથી મૃતદેહોને પુનાસા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. શુક્રવારે સવારે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહો પરિવારજનોની હાજરીમાં કસરાવાડ લઈ જવાયા છે. પુનાસા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અકસ્માતનું કારણ અસ્પષ્ટ

ખંડવાના એસપી સત્યેન્દ્ર કુમાર શુક્લાએ જણાવ્યું કે, દૌલતપુરા પાસે એક વાહન અકસ્માત થયો છે, જેમાં ખરગોન જિલ્લાના કસરવાડના 5 યુવકોના મોત નિપજ્યા છે. માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અકસ્માતમાં કારના ફુરચા ઉડી ગયા છે. મૃતદેહો કારમાં ફસાયેલા હતા. કટરની મદદથી કારને કાપીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. શુક્લાએ જણાવ્યું કે, તેમણે ખરગોન એસપીને દુર્ઘટના વિશે જાણ કરી છે. અકસ્માત કેવી રીતે થયો તે હાલ સ્પષ્ટ નથી, તપાસ ચાલી રહી છે.

Share: