×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મણિપુર હિંસા પર 'સુપ્રીમ' સુનાવણી, ચંદ્રચુડે કહ્યું-સ્પષ્ટ છે કે સ્થિતિ રાજ્ય પોલીસના નિયંત્રણની બહાર


મણિપુરમાં છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલી હિંસક ઘટનાઓ અંગે સુપ્રીમ કોર્ટે આજે ફરી સુનાવણી કરી હતી. અત્યાર સુધીની સુનાવણીમાં કોર્ટે સરકારને કરવામાં આવેલ કાર્યવાહી અંગે સવાલ પૂછ્યા હતા. ત્યારબાદ આજે કરવામાં આવેલ સુનાવણીમાં CJI DY ચંદ્રચુડે કહ્યું કે, તે સ્પષ્ટ છે કે સ્થિતિ રાજ્ય પોલીસના નિયંત્રણની બહાર છે. પોલીસ પરિસ્થિતિ પર કાબૂ મેળવી શકી નથી. મેથી જુલાઈ સુધી કાયદો અને વ્યવસ્થા સ્થગિત થયેલી છે.

કેમ 14 દિવસ પછી નોંધઈ FIR?

ગઈકાલે કરવામાં આવેલ સુનવણીમાં કોર્ટે સરકારને પૂછ્યું કે, 4 મેના રોજ બે મહિલાઓની નગ્ન પરેડ કરવામાં આવી તેના પર 14 દિવસ પછી 18 મેના રોજ એફઆઈઆર કેમ નોંધવામાં આવી ત્યાં સુધી કોઈ કાર્યવાહી પોલીસે કેમ ન કરી? કોર્ટે એવો પણ સવાલ કર્યો હતો કે, અત્યાર સુધી નોંધાયેલા 6000 કેસમાંથી કેટલા કેસ મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ સાથે જોડાયેલા છે.

સરકારે શુક્રવાર સુધીનો સમય માંગ્યો છે

તુષાર મહેતાએ કહ્યું કે, આ મામલે અમને વધુ તપાસ માટે શુક્રવાર સુધીનો સમય આપવામાં આવે. અમને રાજ્યના અધિકારીઓ સાથે ચર્ચા કરવાનો પણ સમય મળ્યો નથી. આ દરમિયાન એટર્ની જનરલ વેંકટરામણીએ કહ્યું કે, આ સમયે પણ રાજ્યમાં સ્થિતિ ગંભીર છે. કોર્ટમાં સામા પક્ષે કહેલી વાતોની ત્યાં પણ અસર થશે. મહેતાએ કહ્યું કે, મહિલાઓ વિરુદ્ધના ગુનાના 11 કેસ સીબીઆઈને સોંપવામાં આવે. અમે બાકીનું વર્ગીકરણ કોર્ટને ઉપલબ્ધ કરાવીશું. તેના આધારે નિર્ણય લેવો જોઈએ.

અમારો રીપોર્ટ હકીકતો આધારિત ભાવનાત્મક દલીલો પર નહીં: તુષાર મહેતા 

સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, અમે સ્ટેટસ રિપોર્ટ તૈયાર કર્યો છે. તે હકીકતો પર આધારિત છે, ભાવનાત્મક દલીલો પર નહીં. તમામ પોલીસ સ્ટેશનોને મહિલાઓ વિરૂદ્ધ ગુનાના કેસમાં તાત્કાલિક એફઆઈઆર નોંધવા અને ઝડપી પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, 250ની ધરપકડ કરવામાં આવી છે, લગભગ 1200ની અટકાયત કરવામાં આવી છે. રાજ્ય પોલીસે મહિલાઓની જાતીય સતામણી સાથે સંબંધિત એક વીડિયોના સંબંધમાં એક સગીર સહિત સાત લોકોની ધરપકડ કરી છે.


સુપ્રીમ દ્વારા વિશેષ તપાસ ટીમની રચના 

આ ઉપરાંત, અદાલતે તપાસની દેખરેખ માટે નિવૃત્ત ન્યાયાધીશો અથવા વિશેષ તપાસ ટીમ (SIT)ની એક સમિતિની રચના કરવાનું સૂચન કર્યું હતું. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી છે. ખંડપીઠે કહ્યું કે, કોર્ટ રાજ્ય પોલીસ આ મામલાની તપાસ કરવા માંગતી નથી કારણ કે તેણે મહિલાઓને તોફાની ટોળાને સોંપી દીધી હતી.