×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મણિપુર હિંસાનો વિરોધ કરવા વિપક્ષોએ બનાવ્યો ‘બ્લેક’ પ્લાન, કાલે સંસદમાં અનોખી રીતે કરશે પ્રદર્શન

નવી દિલ્હી, તા.26 જુલાઈ-2023, બુધવાર

હાલ દેશમાં ચારેકોર મણિપુર હિંસાની ચર્ચાઓ થઈ રહી છે, તો આ મુદ્દે સંસદમાં પણ વિપક્ષોનું ધમાસાણ જોવા મળી રહ્યું છે. ચોમાસુ સત્ર શરૂ થવાને 7 દિવસ વિતિ ગયા છે, તેમ છતાં મણિપુર હિંસાને લઈ હજુ સુધી સંસદની કાર્યવાહી આગળ વધી રહી નથી. હાલ વિપક્ષો એક જ માંગ કરી રહ્યા છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મણિપુર મુદ્દે સંસદમાં ચર્ચા કરે... દરમિયાન આવતીકાલે પણ સંસદમાં ધમાસાણ જોવા મળી રહ્યું છે. આવતીકાલે સંસદમાં મણિપુર મુદ્દે વિપક્ષોએ વિરોધ કરવાનો અનોખો પ્લાન બનાવ્યો છે. કાલે ગુરુવારે સંસદમાં વિપક્ષના તમામ સાંસદો કાળા કપડામાં જોવા મલશે. વિપક્ષી સાંસદોએ મણિપુર હિંસા મુદ્દે પોતાનો વિરોધ વ્યક્ત કરવા માટે આ નિર્ણય લીધો છે.

વિપક્ષોએ તેમના તમામ સાંસદોને ગૃહમાં હાજર રહેવા વ્હીપ જારી કર્યો

ગુરુવારે વિપક્ષી દળોની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. દરમિયાન બુધવારે સાંજે રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે પાર્ટીના તમામ સાંસદોને હાજર રહેવા માટે ત્રણ લાઈનનો વ્હીપ જારી કર્યો છે. વ્હીપમાં કોંગ્રેસ પાર્ટીના તમામ રાજ્યસભા સાંસદોને કહેવામાં આવ્યું છે કે, ગુરુવાર 27 જુલાઈ-2023ના રોજ રાજ્યસભામાં ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. રાજ્યસભામાં કોંગ્રેસ પક્ષના તમામ સભ્યોને સવારે 11 વાગ્યાથી ગૃહમાં હાજર રહેવા વિનંતી કરાઈ છે.

AAPએ પણ જારી કર્યો વ્હીપ

કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીએ પણ તેના રાજ્યસભાના સાંસદોને 27 અને 28 જુલાઈએ ગૃહમાં રહેવા માટે વ્હિપ જારી કર્યો છે. AAPએ બુધવારે સાંજે તેના રાજ્યસભાના સાંસદોને વ્હિપ જારી કરીને આવતીકાલે સંસદની કાર્યવાહી સ્થગિત ન થાય ત્યાં સુધી ગૃહમાં રહેવા અને પક્ષના વલણને સમર્થન આપવા જણાવ્યું હતું.

આવતીકાલે સંસદમાં રજુ કરવામાં આવી શકે છે દિલ્હીના વટહુકમનું વિધેયક

કેન્દ્ર સરકાર દિલ્હી સંબંધિત તેના વટહુકમના સ્થાને રાજ્યસભામાં નેશનલ કેપિટલ ટેરિટરી ઑફ દિલ્હી સરકાર (સુધારા) બિલ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. આ બિલમાં અધિકારીઓની નિમણૂક અને ટ્રાન્સફર માટે એક ઓથોરિટીની રચના કરવાની જોગવાઈ છે. સરકાર આ બિલ રાજ્યસભામાં લાવશે. સરકારની આ તૈયારી વચ્ચે કોંગ્રેસે રાજ્યસભાના સભ્યોને વ્હીપ જારી કરીને ગુરુવારે ગૃહમાં હાજર રહેવા જણાવ્યું છે.