ભારત બાયોટેક વેક્સિન સ્ટોકને કરશે રી-લેબલ, એક્સપાયરી ડેટ 9થી વધારીને 12 મહિના કરવા મંજૂરી

ભારત બાયોટેક વેક્સિન સ્ટોકને કરશે રી-લેબલ, એક્સપાયરી ડેટ 9થી વધારીને 12 મહિના કરવા મંજૂરી


– આ સ્ટોકનો ઉપયોગ બાળકો માટે ચાલી રહેલા વેક્સિનેશન અભિયાન માટે પણ કરવામાં આવશે

નવી દિલ્હી, તા. 03 જાન્યુઆરી, 2022, સોમવાર

DCGIએ પ્રમુખ વેક્સિન નિર્માતા ભારત બાયોટેકને વેક્સિન સ્ટોકને રી-લેબલ કરવા માટેની મંજૂરી આપી છે. ભારત બાયોટેકની કોવેક્સિનની એક્સપાયરી અવધિ પહેલા 9 મહિનાની હતી જેને વધારીને હવે 12 મહિના કરી દેવામાં આવી છે. 

કોવેક્સિનને રી-લેબલ કરવા માટે ભારત બાયોટેક હોસ્પિટલ્સમાં રહેલા વેક્સિન સ્ટોકને પાછો મગાવી રહ્યું છે અને હવે તે સ્ટોકને રી-લેબલ કરવામાં આવશે. વેક્સિનની એક્સપાયરી અવધિ લંબાયા બાદનું લેબલ લાગશે ત્યાર બાદ તેને જરૂરિયાત ધરાવતી જગ્યાઓએ પહોંચાડવામાં આવશે. 

જાણવા મળ્યા મુજબ ભારત બાયોટેક ઉપયોગમાં ન લેવાયેલો વેક્સિન સ્ટોક પાછો મગાવી રહ્યું છે અને તેની એક્સપાયરી અવધિ અપડેટ કરી રહ્યું છે. વેક્સિનને રી-લેબલ કરવામાં આવી રહી છે. DCGIએ સ્ટડી બાદ એક્સપાયરી ડેટ લંબાવવાની મંજૂરી આપી હતી. હવે આ વેક્સિન 12 મહિના સુધી ઉપયોગમાં લેવાને લાયક બની જશે. DCGIને સોંપવામાં આવેલા અભ્યાસના આંકડાઓ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સ્ટોકનો ઉપયોગ બાળકો માટે ચાલી રહેલા વેક્સિનેશન અભિયાન માટે પણ કરવામાં આવશે. 

આજથી શરૂ થશે 15થી 18 વર્ષ સુધીના બાળકોનું વેક્સિનેશન

ઉલ્લેખનીય છે કે, દેશમાં વધી રહેલા કોરોનાના કેસની વચ્ચે આજથી દેશમાં 15થી 18 વર્ષની ઉંમરના બાળકોનું વેક્સિનેશન અભિયાન શરૂ થઈ રહ્યું છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ આ માટે માત્ર ભારત બાયોટેકની રસી કોવેક્સિનને જ મંજૂરી આપી છે. તેવામાં વેક્સિનની તંગી પૂરી કરવા માટે ભારત બાયોટેક હોસ્પિટલ્સમાં રહેલો વેક્સિન સ્ટોક પાછો મગાવી રહ્યું છે અને તેને રી-લેબલ કરી રહ્યું છે. 

Share: