ભારતીય મૂળના નીરા ટંડન વ્હાઈટ હાઉસમાં સ્ટાફ સેક્રેટરી બન્યાં

ભારતીય મૂળના નીરા ટંડન વ્હાઈટ હાઉસમાં સ્ટાફ સેક્રેટરી બન્યાં

ભારતીય મૂળના અમેરિકન નાગરિકોનો દબદબો વધતો જાય છે. બાઈડેન સરકારમાં ઘણાં મહત્વના હોદ્દા પર ભારતીય મૂળના અમેરિકન નાગરિકોની નિમણૂક થઈ છે. એમાં નીરા ટંડનનો ઉમેરો થયો છે.ભારતીય મૂળના નીરા ટંડનને બાઈડેન સરકારે વ્હાઈટ હાઉસ સ્ટાફ સેક્રેટરી બનાવ્યા છે. બાઈડેનના વિશ્વાસુ સહયોગી ગણાતા પોલિસ એક્સપર્ટ નીરા ટંડન આ પદ સુધી પહોંચનારા પ્રથમ ભારતીય મૂળના અમેરિકન નાગરિક છે.આ જવાબદારી મળતા જ નીરા ટંડન પાસે બાઈડેનના મહત્વના દસ્તાવેજો નિયંત્રિત કરશે. એક રીતે તેઓ બાઈડેનના મહત્વના અધિકારીઓમાં સામેલ થયા છે. અગાઉ થોડા મહિના પહેલાં તેમને બાઈડેનના વરિષ્ઠ સલાહકાર નિયુક્ત કરવામાં આવ્યા હતા. એ વખતે તેમની કામગીરી નોંધપાત્ર રહી હતી એટલે તેમને વધુ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ બાઈડેનના વરિષ્ઠ સલાહકારના પદે પણ સેવા આપતાં રહેશે એવું એક નિવેદનમાં કહેવાયું હતું.અમેરિકન પ્રમુખ જે નિર્ણયો લે છે તેમાં સ્ટાફ સેક્રેટરીની ભૂમિકા બહુ જ મહત્વની હોય છે. આંતરિક અને વિદેશી એમ બંને પ્રકારની નીતિમાં તેમની સલાહ અગત્યનો ભાગ ભજવે છે.વ્હાઈટ હાઉસમાં રોનાલ્ડ ક્લેન અત્યારે ચીફ ઓફ સ્ટાફ છે. નીરા ટંડન તેમની સાથે મળીને પ્રમુખ જો બાઈડેન સાથે કામ કરશે.

Share: