ભારતીય ડ્રેગન ફ્રુટની વિદેશ નિકાસ, આ 2 રાજ્યોમાંથી લંડન અને બહરીન મોકલાઈ પહેલી ખેપ

ભારતીય ડ્રેગન ફ્રુટની વિદેશ નિકાસ, આ 2 રાજ્યોમાંથી લંડન અને બહરીન મોકલાઈ પહેલી ખેપ


– કમલમના મુખ્ય 3 પ્રકારો છે જેમાં ગુલાબી સફેદ, ગુલાબી લાલ અને પીળા સફેદ રંગના ડ્રેગન ફ્રુટનો સમાવેશ થાય છે

નવી દિલ્હી, તા. 04 ઓગષ્ટ, 2021, બુધવાર

કેન્દ્ર સરકાર જે વિદેશી ફળોનું ભારતમાં ઉત્પાદન કરવામાં આવે છે તેની નિકાસને પ્રોત્સાહન આપવાની દિશામાં કામ કરી રહી છે. તેના અનુસંધાને ગુજરાત અને પશ્ચિમ બંગાળના ખેડૂતોના ખેતરમાં ઉગાડવામાં આવેલા ફાઈબર અને ખનીજથી ભરપૂર ડ્રેગન ફ્રુટની ખેપને પહેલી વખત લંડન અને બહરીન મોકલવામાં આવી છે. ડ્રેગન ફ્રુટ ભારતમાં કમલમ્ તરીકે પણ ઓળખાય છે. 

વિદેશી ફળ ડ્રેગન ફ્રુટની જે ખેપની લંડન નિકાસ કરવામાં આવી છે તે કચ્છ ક્ષેત્રના ખેડૂતો પાસેથી પ્રાપ્ત કરવામાં આવી હતી અને ગુજરાતના ભરૂચમાં એપીડા પૈકહાઉસ દ્વારા તેની નિકાસ કરવામાં આવી હતી. જ્યારે બહરીન મોકલવામાં આવેલી ડ્રેગન ફ્રુટની ખેપ પશ્ચિમ બંગાળના પશ્ચિમ મિદનાપુરના ખેડૂતો પાસેથી મેળવવામાં આવી હતી અને કોલકાતા ખાતે એપીડામાં નોંધાયેલા ઉદ્યોગ સાહસોએ તેની નિકાસ કરી છે. 

અગાઉ જૂન 2021માં ડ્રેગન ફ્રુટની એક ખેપ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના તડાસર ગામના ખેડૂતો પાસેથી મેળવીને એપીડા દ્વારા દુબઈ નિકાસ કરવામાં આવી હતી. 

ભારતમાં 1990ના દશકાની શરૂઆતમાં ડ્રેગન ફ્રુટનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું હતું. ડ્રેગન ફ્રુટનું નિકાસ મૂલ્ય વધારે હોવાથી હાલ દેશમાં તેની લોકપ્રિયતામાં ખૂબ વધારો થયો છે અને વિવિધ રાજ્યના ખેડૂતો ડ્રેગન ફ્રુટની ખેતી કરી રહ્યા છે. કમલમના મુખ્ય 3 પ્રકારો છે જેમાં ગુલાબી સફેદ, ગુલાબી લાલ અને પીળા સફેદ રંગના ડ્રેગન ફ્રુટનો સમાવેશ થાય છે. 

Share: