ભારતમાં ભલે અધ્યક્ષપદ ખાલી પણ વિદેશોમાં કોંગ્રેસ અધ્યક્ષોની ધડાધડ નિમણૂંકો

ભારતમાં ભલે અધ્યક્ષપદ ખાલી પણ વિદેશોમાં કોંગ્રેસ અધ્યક્ષોની ધડાધડ નિમણૂંકો

નવી દિલ્હી,તા.11.જુલાઈ.2021

દેશમાં કોંગ્રેસ અધ્યક્ષનુ પદ ભલે ખાલી પડ્યુ હોય પણ વિદેશોમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા અધ્યક્ષની ધડાધડ નિમણૂંક કરવામાં આવી રહી છે.

જેની પાછળનો ઈરાદો કોંગ્રેસની વિચારધારા વિદેશોમાં રહેતા ભારતીયોમાં ફેલાવવાની છે.જોકે કોંગ્રેસ પાર્ટી પાસે હાલમાં ભારતમાં જ કોઈ ફુલટાઈમ અધ્યક્ષ નથી.સોનિયા ગાંધી કાર્યકારી અધ્યક્ષ તરીકે પાર્ટીની કમાન સંભાળી રહ્યા છે.

કોંગ્રેસની બ્રાન્ચ ઓવરસિઝ કોંગ્રેસની જવાબદારી ટેકનોક્રેટ સામ પિત્રોડા પાસે છે.તેમણે આ સપ્તાહમાં નવી નિમણૂકોની જાહેરાત કરી છે.કોંગ્રેસ યુરોપના 23 દેશોમાં અસ્તિત્વ ધરાવે છે.આ પૈકી યુકેમાં તેની સ્થિતિ વધારે મજબૂત છે.દરમિયાન પાર્ટીએ નોર્વેમાં ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના  અધ્યક્ષ તરીકે બીયર બ્રાન્ડના માલિક ગેરિસોબર સિંહ, ફિનલેન્ડમાં સાયન્ટિસ્ટ કોમલ કુમાર, ઈટાલીમાં દિલબાગ ચન્ના, સ્વિત્ઝરલેન્ડમાં જોય કોચટ્ટુ, સ્વીડનમાં સોનિયા હેલ્ડસ્ટડ, ઓસ્ટ્રિયામાં સુનિલ કોરા, બેલ્જિયમમાં સુખીવન પ્રીત સિંહ, હોલેન્ડમાં હરપિંન્દરસિંહ ધાગ અને પોલેન્ડમાં અમરજીતસિંહને અધ્યક્ષ તરીકે મુકયા છે.

જોકે મોટો સવાલ એ છે કે, ભારતમાં કોંગ્રેસની કમાન કોના હાથમાં જશે.કારણકે રાહુલ ગાંધી વારંવાર અધ્યક્ષ તરીકે રહેવાની ના પાડી ચુકયા છે અને અધ્યક્ષપદની ચૂંટણી ત્રણ વખત ટાળવામાં આવી છે.

Share: