‘ભાજપને હરાવવા માટે એકજૂટ થવાની જરુર’ : મમતા બેનર્જીની સોનિયા ગાંધી સાથે મુલાકાત

‘ભાજપને હરાવવા માટે એકજૂટ થવાની જરુર’ : મમતા બેનર્જીની સોનિયા ગાંધી સાથે મુલાકાત

નવી દિલ્હી, તા. 28 જુલાઇ 2021, બુધવાર

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સાથે દિલ્હીમાં મુલાકાત કરી છે. આ વર્ષે જ એપ્રિલ મે મહિનામાં બંને પાર્ટીઓ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં એકબીજાની પ્રતિસ્પર્ધી હતી. ત્યારબાદ બંને નેતાઓની આ પહેલી મુલાકાત હતી. 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ સામે વિપક્ષને એકજૂથ કરવાના પ્રયત્નોને લઇને આ બેઠકને મહત્વની ગણવમાં આવી રહી છે. મુલાકાત બાદ મમતાએ કહ્યું કે ભાજપને હરાવવા માટે વિપક્ષ એકજૂથ થાય તે જરુરી છે. 

ઉલ્લેખનીય છે કે બંગાળના સીએમ મમતા બેનર્જી પાંચ દિવસના દિલ્હી પ્રવાસે છે. પોતાની આ યાત્રા અંતર્ગત તેમણે મંગળવારે તેમણે વરિષ્ઠ કોંગ્રેસ નેતા કમલનાથ અને આનંદ શર્મા સાથે મુલાકાત કરી હતી. સોનિયા ગાંધી સાથે લગભગ 45 મિનિટ સુધી બેઠક ચાલી છે. ત્યારબાદ મમતા બેનર્જીએ કહ્યું કે આ એક પોઝિટીવ બેઠક હતી. ભાજપને હરાવવા માટે તમામને સાથે આવવાની જરુર છે. તમામ લોકોને સાથે મળીને કામ કરવું પડશે. 

થોડા સમય પહેલા જ મમતા બેનર્જીની પાર્ટીએ બંગાળમાં ભાજપ સામે વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવીને તમમાને ચોંકાવ્યા હતા. ત્યારે હવે મમતા બેનરજી લોકસભા ચૂંટણી પહેલા તમામ વિપક્ષી દળોને એકજૂથ કરવાના પ્રયત્નોમાં લાગ્યા છે. આ પહેલા મીડિયા સાથે વાતચીત દરમિયાન મમતા બેનર્જીએ જાસૂસી કાંડ સહિત વિવિધ મુદ્દે કેન્દ્ર સરકાર પર કરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે મારો ફોન પણ હેક કરવામાં આવ્યો છે. દૈનિક ભાસ્કર પર દરોડા પાડવામાં આવ્યા. શું બ્લેકમની માત્ર વિપક્ષ પાસે જ છે?

Share: