બેકફુટ પર નવનીત રાણા, કહ્યું- 'માતોશ્રી'ની બહાર નહીં કરે હનુમાન ચાલીસાનું પઠન

બેકફુટ પર નવનીત રાણા, કહ્યું- 'માતોશ્રી'ની બહાર નહીં કરે હનુમાન ચાલીસાનું પઠન


– શિવસૈનિકો મોટી સંખ્યામાં રાણા દંપતીના ઘર બહાર પહોંચી ગયા હતા અને હંગામો કરવા લાગ્યા હતા

મુંબઈ, તા. 23 એપ્રિલ 2022, શનિવાર

મુંબઈમાં હનુમાન ચાલીસાના જાપને લઈ વિવાદ વકર્યો છે. અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના આવાસ ‘માતોશ્રી’ની હનુમાન ચાલીસાનો જાપ કરવાની જાહેરાત કરી હતી. જોકે બાદમાં બપોરના સમયે રાણા દંપતીએ પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો અને ‘માતોશ્રી’ની બહાર નહીં જવાની જાહેરાત કરી હતી. 

નવનીત રાણાએ આ માટે સવારના 9:00 વાગ્યાનો સમય આપ્યો હતો પરંતુ તેના પહેલા જ શિવસૈનિકો મોટી સંખ્યામાં તેમના ઘર બહાર પહોંચી ગયા હતા અને હંગામો કરવા લાગ્યા હતા. 

ખાર વિસ્તારમાં આવેલા સાંસદ રાણાના ઘરની બહાર આ પ્રકારે હંગામો કરવામાં આવ્યો હતો. આ તરફ પોલીસ દ્વારા નોટિસ પાઠવવામાં આવી તેમ છતાં નવનીત રાણા હનુમાન ચાલીસાનો જાપ કરવા મામલે અડગ હતા. આ તરફ મુખ્યમંત્રીના નિવાસ સ્થાન ‘માતોશ્રી’ની બહાર પોલીસે સુરક્ષા વ્યવસ્થાને વધારે સઘન બનાવી દીધી હતી. 

મુંબઈમાં હનુમાન ચાલીસાને લઈ હોબાળો, સાંસદ નવનીત રાણાના ઘર બહાર શિવસૈનિકોનો હંગામો

રવિ રાણા દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે અમરાવતીમાં તેમના ઘર પર હુમલો કરવામાં આવ્યો છે અને ઘરમાં તેમના બાળકો છે. જો કશું પણ બનશે તો તેના માટે ઉદ્ધવ ઠાકરે જવાબદાર ગણાશે. 

સાસંદ નવનીત રાણાએ કહ્યું હતું કે, અમારો ઉદ્દેશ્ય હતો કે સંકટ મોચન સંકટ દૂર કરે. ઉદ્ધવ ઠાકરેએ અમારા ઘરે ગુંડાઓ મોકલ્યા. શિવસેના ખતમ થઈ ગઈ છે. અસલી શિવસૈનિકો બાળાસાહેબ સાથે જતા રહ્યા. હવે શિવસેના માત્ર ગુંડાઓની જ રહી છે. મુખ્યમંત્રીનું માત્ર એ જ કામ છે કે, કોના સામે શું કાર્યવાહી કરાવવી, કોને જેલમાં પૂરવા અને કોને તડીપાર કરવા. મુખ્યમંત્રી ખેડૂતોની આત્મહત્યા પર ધ્યાન નથી આપતા. વીજળીની સમસ્યા, બેરોજગારી પર ચૂપ રહે છે. અમારો ઉદ્દેશ્ય પૂર્ણ થયો. અમે ‘માતોશ્રી’ની બહાર પ્રદર્શન નહીં કરીએ. 

Share: