બીબીસી પર પ્રતિબંધની માગ કરતી અરજી ફગાવતા સુપ્રીમકોર્ટે કહ્યું – આ તો ખોટું છે

બીબીસી પર પ્રતિબંધની માગ કરતી અરજી ફગાવતા સુપ્રીમકોર્ટે કહ્યું – આ તો ખોટું છે
image : Wikipedia 

નવી દિલ્હી, તા 10, ફેબ્રુઆરી, 2023

સુપ્રીમકોર્ટે બીબીસી પર પ્રતિબંધ મૂકવા સંબંધિત હિન્દુ સેના અધ્યક્ષની અરજી ફગાવી દીધી છે. તેમણે સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરી વડાપ્રધાન મોદીની ગુજરાત રમખાણોમાં કથિત ભૂમિકા પર આધારિત ડૉક્યુમેન્ટ્રી પ્રસારિત કરવા માટે બીબીસી અને બીબીસી ઈન્ડિયા પર પ્રતિબંધ મૂકી દેવાની માગ કરી હતી. 

હિન્દુ સેનાના અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તા અને બીરેન્દ્ર કુમાર સિંહે અરજી દાખલ કરી હતી 

ખરેખર બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન(બીબીસી)એ 2002ના રમખાણોમાં પીએમ મોદીની ભૂમિકા અંગે એક ડૉક્યુમેન્ટ્રી પ્રસારિત કરી હતી. જેને કેન્દ્ર સરકારે ભ્રામક ગણાવતા તેના પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ પ્રતિબંધ વિરુદ્ધ સુપ્રીમકોર્ટમાં અરજી પણ દાખલ કરાઈ છે. તેના પર હિન્દુ સેનાના અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તા અને બીરેન્દ્ર કુમાર સિંહે ભારતમાં બીબીસીના સંચાલન પર જ પ્રતિબંધ મૂકી દેવાની માગ કરતા સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરી હતી. 

ડોક્યુમેન્ટ્રી બનાવનાર પત્રકાર વિરુદ્ધ તપાસની માગ કરાઈ હતી 

એડવોકેટ બરુણ કુમાર સિન્હાના માધ્યમથી દાખલ કરાયેલી આ અરજીમાં માગ કરાઈ હતી કે કોર્ટ એનઆઈએને નિર્દેશ આપે કે તે ભારતવિરોધી અને ભારત સરકારવિરોધી રિપોર્ટિંગ/ ડોક્યુમેન્ટ્રી બનાવનાર પત્રકાર વિરુદ્ધ તપાસ કરે. અરજીમાં બીબીસી પર તેનો એજન્ડા ચલાવવાનો આરોપ પણ મૂકાયો હતો અને દાવો કરાયો હતો કે બીબીસી ભારતમાં વ્યાપ્ત શાંતિ અને રાષ્ટ્રીય અખંડતાને અવરોધે છે. સુપ્રીમકોર્ટે અરજી ફગાવતાં કહ્યું હતું કે આ ખોટું કહેવાય. અમે અરજી ફગાવીએ છીએ. 

Share: