બિલ પાસ થયા બાદ રાજીનામુ આપ્યું, હવે ડ્રામા કરી રહી છે.. હરસિમરત કૌર સાથે કોંગ્રેસ સાંસદનો સંઘર્ષ

બિલ પાસ થયા બાદ રાજીનામુ આપ્યું, હવે ડ્રામા કરી રહી છે.. હરસિમરત કૌર સાથે કોંગ્રેસ સાંસદનો સંઘર્ષ


– રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ વોકઆઉટ કર્યું એટલે બિલ પાસ થયું તેવો દાવો

નવી દિલ્હી, તા. 04 ઓગષ્ટ, 2021, બુધવાર

કેન્દ્રીય કૃષિ કાયદા મુદ્દે બુધવારે શિરોમણી અકાલી દળની નેતા હરસિમરત કૌર બાદલ અને કોંગ્રેસી સાંસદ રવનીત સિંહ બિટ્ટુ વચ્ચે સંસદ પરિસરમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. પૂર્વ કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલ સંસદ પરિસરમાં કૃષિ કાયદાનો વિરોધ કરતા પોસ્ટર લઈને ઉભા હતા. તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા બિટ્ટુ તેમના પાસે પહોંચી ગયા હતા અને તેમના પ્રદર્શનને નકલી ગણાવ્યું હતું. તેમણે હરસિમરત કૌરને કહ્યું કે, તમે જ્યારે મંત્રી હતા ત્યારે બિલ પાસ થયું ત્યારે તમે કશું નહોતા બોલ્યા પરંતુ જ્યારે ખેડૂતોનું પ્રદર્શન ઉગ્ર બન્યું ત્યારે તમે રાજીનામુ આપી દીધું. તમે ફક્ત ડ્રામા કરી રહ્યા છો. સંસદમાં વિરોધ વખતે અકાલી દળના નેતા ગાયબ હતા. 

હરસિમરત કૌરે કોંગ્રેસી સાંસદ રવનીત સિંહ બિટ્ટુના આરોપોનો જવાબ આપતા કહ્યું કે હું મંત્રી નહોતી. ત્યારે બિટ્ટુએ તમે ખોટું બોલી રહ્યા છો તેમ કહ્યું હતું. હરસિમરત કૌરના કહેવા પ્રમાણે તેમણે પદ પરથી રાજીનામુ આપી દીધું હતું. સાથે જ તેમણે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ક્યાં હતા તેવો સવાલ પણ કર્યો હતો. સાથે જ તમે ભાગી ગયા એટલે જ આમ બન્યું. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ વોકઆઉટ કર્યું એટલે બિલ પાસ થયું તેવો દાવો કર્યો હતો. 

બંને નેતાઓ વચ્ચેના સંઘર્ષનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બિટ્ટુ અકાલી દળના નેતા પર કેન્દ્રીય મંત્રી પદે હોવા દરમિયાન ત્રણેય કૃષિ કાયદા પસાર કરાવવાનો આરોપ લગાવતા જોઈ શકાય છે. જ્યારે હરસિમરત કૌર તેનો પ્રતિવાદ કરતા નજરે ચડી રહ્યા છે. હરસિમરત કૌરે કાળા કાયદા રદ્દ કરો એવો નારો પણ લગાવ્યો હતો.  

Share: