×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બિપરજોય વાવાઝોડાના લઈને CMએ મંત્રીઓને જવાબદારી સોંપી, દરિયાકાંઠે હાઈએલર્ટ જાહેર

Image : Screen grab

ગુજરાત તરફ આગળ વધી રહેલા વાવાઝોડું બિપરોજોયને લઈને વહીવટી તંત્ર અને રાજ્યનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર એલર્ટ બન્યું છે. બિપરજોય વાવાઝોડાએ દિશા બદલતા કચ્છના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા છે. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્ય મંત્રીમંડળના વરિષ્ઠ મંત્રીઓને જવાબદારી સોંપી છે. 

મુખ્યમંત્રીએ જિલ્લા ક્લેક્ટરો સાથે બેઠક કરી

અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડું પોરબંદરના દરિયાકાંઠાથી 480 કિમી દૂર છે. બિપોરજોય વાવાઝોડાએ ફરી પોતાની દિશા બદલીને ગુજરાત તરફ ફંટાતા ચિંતામાં વધારો કર્યો છે. વાવાઝોડાને પગલે રાજ્યના મુખ્યમંત્રીએ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત કરીને સ્થિતિ અંગે વીડિયો કોન્ફરન્સનું કરીને દરિયાકાંઠાના જિલ્લા ક્લેક્ટરો સાથે બેઠક કરીને પરિસ્થિતિને પહોંચી વળવા માટે સતર્ક રહેવાનો આદેશ આપ્યો હતો. આ બેઠકમાં સચિવ અને રાહત કમિશનર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ ગૃહ રાજ્યમંત્રીએ પણ આ અંગે નિવેદન આપતા જણાવ્યુ હતું કે જિલ્લાના અધિકારઈઓને એલર્ટ કરાયા છે અને વાવાઝોડાની આગાહી પગલે તંત્રએ તૈયારી શરુ કરી દીધી છે. હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું હતું કે સીએમ ભૂપેનદ્ર પટેલના આદેશ બાદ જરુરી સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારના લોકોને સૂચનાનું પાલન કરવા જણાવ્યુ હતું.

CMએ મંત્રીઓને જવાબદારી સોંપી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના દરિયાઈ વિસ્તારના જિલ્લાઓમાં બીપોરજોય વાવાઝોડાની સંભવિત અસર સામે જિલ્લા તંત્રએ કરેલા આગોતરા આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન કામોમાં માર્ગદર્શન માટે રાજ્ય મંત્રીમંડળના વરિષ્ઠ મંત્રીઓને જવાબદારી સોંપી છે તેમજ મંત્રીઓને સંબંધિત જિલ્લાઓમાં પહોંચવાની સૂચના પણ આપી છે. આ ઉપરાંત કચ્છ જિલ્લામાં મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને પ્રફુલભાઈ પાનસેરીયા, મોરબીમાં કનુભાઈ દેસાઈ, રાજકોટમાં રાઘવજીભાઈ પટેલ, પોરબંદરમાં કુંવરજીભાઈ બાવળિયા, જામનગરમાં મુળુભાઈ બેરા, દેવભૂમિ દ્વારકામાં હર્ષભાઈ સંઘવી, જૂનાગઢમાં  જગદીશભાઈ વિશ્વકર્મા અને ગીર સોમનાથ માટે પરસોત્તમભાઈ સોલંકીને જવાબદારી સોંપવામાં આવી છે.

લોકોને દરિયા કિનારાથી દૂર રહેવાની સલાહ અપાઈ

ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 6 કલાકમાં બિપરજોય એક ગંભીર વાવાઝોડામાં રૂપાંતરિત થઇ શકે છે. તે 15 જૂનની આજુબાજુ વાવાઝોડું બનીને ઉત્તર તરફ આગળ વધશે. હાલ તે ગુજરાતના પોરબંદરથી ફક્ત 480 કિ.મી. દૂર દક્ષિણ-પશ્ચિમમાં અરબ સાગરમાં છે. તે  5 કિ.મી. પ્રતિકલાકની ઝડપે સતત આગળ વધી રહ્યું છે. 15 જૂન સુધી તે કચ્છના તટ સુધી પહોંચી શકે છે. પોરબંદરની નજીકમાંથી તે આશરે 200થી 300 કિ.મી. અને નલિયાથી 200 કિ.મી.ની અંતરથી પસાર થવાની શક્યતા છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં આ વાવાઝોડું ત્રાટકશે તે નક્કી થઈ ગયું છે તેવું હવામાન વિભાગનું કહેવું છે. આગામી 14-15 જૂનના રોજ ભારે વરસાદની પણ આગાહી છે. લોકોને દરિયા કિનારાથી દૂર રહેવાની સલાહ અપાઈ છે.  તંત્ર દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરાવવાનું વિચારી રહ્યું છે. 

સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ભારે પવન શરૂ

વાવાઝોડા બિપરોજયની અસર સૌરાષ્ટ્રના જાફરાબાદના દરિયામાં જોવા મળી રહી છે. અરબી સમુદ્રમાં રૌદ્ર રૂપ ધારણ કરી બિપરજોય વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યુ છે. ત્યારે હાલ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ભારે પવન શરૂ થઈ ગયો છે. ગઈકાલે દરિયાકાંઠે 10થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા અને જામનગર, સોમનાથમાં વરસાદ પણ પડ્યો હતો.

બંદરો પર 4 નંબરનું સિગ્નલ લગાવાયા

અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાને પગલે રાજ્યના બંદરો પર હવે 4 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યુ છે. તમામ બંદરો ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. દરિયામાં જેમ જેમ કરંટ વધી રહ્યો છે તેમ દરિયાના મોજા ઉછળી રહ્યા છે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારના લોકોને સલામત સ્થળે સ્થાળંતર કરવામાં આવી રહ્યું છે.