બસ 6 મહિના રાહ જુઓ, પછી દિલ્હી બદલાઈ જશે અને પછી… મમતા બેનર્જી મોદી સરકાર પર ભડક્યા

બસ 6 મહિના રાહ જુઓ, પછી દિલ્હી બદલાઈ જશે અને પછી…   મમતા બેનર્જી મોદી સરકાર પર ભડક્યા

કોલકાતા, તા.27 મે-2023, શનિવાર

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મણિપુર હિંસા મામલે ફરી કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. મમતાએ કહ્યું કે, હું પણ મણિપુર જવા ઈચ્છું છું, પરંતુ કેન્દ્ર સરકાર મંજુરી નહીં આપે. તેમણે મારા સાંસદોને આસામ ન જવા દીધા. દિલ્હી (કેન્દ્ર સરકાર) મને ડરાવવાનો પ્રયાસ કરે છે. 6 મહિનાની રાહ જુઓ, પછી દિલ્હીમાં પરિવર્તન આવશે… જ્યારે દિલ્હીમાં પરિવર્તન આવશે ત્યારે અમે લોકોને તેમનો હક આપીશું.

ભાજપ કાં તો ઈતિહાસ બદલશે અથવા ધર્મ અથવા નોટ

તેમણે કહ્યું કે, ભાજપ કાં તો ઈતિહાસ બદલશે અથવા ધર્મ અથવા નોટ… કોઈક દિવસે તેઓએ પોતાને બદલવા પડશે… તેમણે પહેલા હિન્દુ અને મુસ્લિમ વચ્ચે હિંસા કરાવી… હવે તેઓ અમને એનઆરસી ટાસ્ક ફોર્સ બનાવવા કહે છે, જોકે અમે ન કર્યું… હું ટાસ્ક ફોર્સ શું કામ બનાવું ? જેથી તમે તેમને ઘરે ઘરે ઓળખવા મોકલો કે કોણ હિંદુ છે કે મુસ્લિમ ?

અમે TMC છીએ, ભાજપ નહીં… અમે બદલો નથી લેતા

મમતા બેનર્જીએ 2000ની નોટ અંગે કહ્યું કે, બેંકો નોટો લઈ રહી નથી. દુકાનદારો પણ નોટો લઈ રહ્યા નથી. કોણ જાણે કાલે શું થશે ? સારા કામ કરનારાઓ લોકોના દિલમાં રહે છે, જેઓ ખરાબ હોય છે, તે શેતાન હોય છે. તેમણે કહ્યું કે, ટીવી ચેનલો પર બેસીને અમને અપશબ્દો કહેનારાઓ ઘણા લોકો છે. તમે અમારી ટીકા કરી શકો છો. અમે TMC છીએ, ભાજપ નહીં… અમે બદલો નથી લેતા… અમે પરિવર્તન માટે આહવાન કર્યું છે.

કુર્મિના નામે ભાજપે હુમલો કર્યો ?

મહિલા મંત્રીના કાફલા પર હુમલા અંગે મમતાએ કહ્યું કે, ગઈકાલે આટલી મોટી હિંમત કરી ? તમે એક આદિવાસી મહિલા પર હુમલો કર્યો ? બીરવાહા હાંસકા એક મંત્રી ઉપરાંત અભિનેત્રી પણ છે. મારુ માનવું છે કે, આવું કામ કુર્મિઓએ કર્યું નથી, આવું કામ ભાજપે કુર્મિના વેષમાં કર્યું… તેમણે ગઈકાલે અભિષેક બેનર્જી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું કે, મણિપુરમાં અસંખ્ય લોકોના મોત થયા… અહીં જિંદાબાદ કહેનારા નેતાઓ ન ગયા… તેઓ કહે છે કે, પછી જઈશું… જ્યારે બધુ ખત્મ થઈ જશે ત્યારે તમે જશો ? મણિપુરમાં લોહી વહી રહ્યું છે અને એક વ્યક્તિ નાચી રહ્યો છે.

Share: