×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બધા જ સ્વિમિંગ પુલનો ઉપયોગ કરી શકશે, થીયેટરોમાં વધુ લોકોને પ્રવેશની છૂટ


નવી દિલ્હી, તા.27 જાન્યુઆરી 2021, બુધવાર

કોરોના મહામારી વચ્ચે જાહેર કરાયેલા લોકડાઉનને હવે એકદમ હળવુ કરી દેવામાં આવ્યું છે. કેસો ઘટી રહ્યા હોવાથી સરકારે ઘણી છૂટછાટો આપી છે. ગૃહ મંત્રાલય દ્વારા બુધવારે જાહેર કરાયેલી નવી ગાઇડલાઇન અનુસાર થીયેટરો અને સિનેમા હોલમાં વધુ લોકોને બેસવાની છુટ અપાઇ છે. સાથે જ બધા જ લોકો સ્વિમિંગ પુલનો ઉપયોગ કરી શકશે. આ ગાઇડલાઇન પહેલી ફેબુ્રઆરીથી લાગુ કરી દેવામાં આવશે. 

એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે કોઇ અનુમતીની જરુર નહીં રહે, રાજ્યોમાં પણ એક જિલ્લા કે શહેરમાંથી બીજા શહેર કે જિલ્લામાં જવા માટે કોઇ અનુમતી નહીં લેવી પડે. આ બધી જ પ્રવૃત્તિની કન્ટેન્મેન્ટ ઝોનની બહાર છૂટ આપવામાં આવી છે. સોશિયલ, ધાર્મિક, સ્પોર્ટ્સ, મનોરંજન, સંસ્કૃતિ, શિક્ષણ વગેરે માટે એકઠા થવાની છુટ પહેલા જ આપી દેવાઇ છે પણ માણસોની સંખ્યા માત્ર ૫૦ જ રાખવાની રહેશે. જે સિનેમા હોલ અને થીયેટરોમાં ૫૦ લોકોના પ્રવેસની અનુમતી હતી તેની સંખ્યામાં વધારો કરવામાં આવશે. 

અત્યાર સુધી સ્વિમિંગ પુલ માત્ર સ્પોર્ટ્સ પર્સન માટે ખુલ્લા મુકાયા હતા, હવે તેનો દરેક લોકો ઉપયોગ કરી શકશે. બિઝનેસ ટુ બિઝનેસ હોલને પહેલા જ અનુમતી અપાઇ હતી જ્યારે હવે દરેક પ્રકારના એક્ઝિબિશન હોલ્સને પણ ખુલ્લા મુકવાની છુટ અપાઇ છે. બીજી તરફ દેશમાં હવે કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા કુલ ઇન્ફેક્શન્સના માત્ર ૧.૬૫ ટકાએ પહોંચી ગઇ છે. મંત્રાલય દ્વારા જારી આંકડામાં જણાવવામાં આવ્યું છે કે દેશભરમાં કોરોના રસી અપાઇ રહી છે, જેના ભાગરુપે અત્યાર સુધીમાં ૨૩ લાખ હેલ્થ વર્કરને રસી આપવામાં આવી છે. જ્યારે કર્ણાટકમાં કોદાગુ જિલ્લામાં પ્રી-યૂનિ. કોર્સ સાથે સંકળાયેલા ૨૫ વિદ્યાર્થીઓનો કોરાના થયો છે.