ફિલ્મ ‘આદિપુરુષ’એ નેપાળમાં વધાર્યો વિવાદ : કાઠમંડુનાં થિયેટરોમાં તમામ હિન્દી ફિલ્મો પર પ્રતિબંધ

ફિલ્મ ‘આદિપુરુષ’એ નેપાળમાં વધાર્યો વિવાદ : કાઠમંડુનાં થિયેટરોમાં તમામ હિન્દી ફિલ્મો પર પ્રતિબંધ

કાઠમંડુ, તા.18 જૂન-2023, રવિવાર

ઓમ રાઉતની ફિલ્મ ‘આદિપુરુષ’ને લઈ સતત વિવાદ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મને નેપાળમાં પણ ઝટકો મળ્યો છે. વાસ્તવમાં કાઠમંડુમાં ‘આદિપુરુષ’ પર પ્રતિબંધ મુકવાની માંગ કરવામાં આવી હતી. ફિલ્મ રિલિઝ થયા બાદ ઘણા સ્થળોએ વિરોધ પ્રદર્શન પણ થયા… જેના કારણે ત્યાંની પોલીસે કાઠમંડુમાં ‘આદિપુરુષ’ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય કર્યો છે. માત્ર પ્રભાસ અને કૃતિ સેનની ફિલ્મ જ નહીં… પરંતુ સોમવારથી કોઈપણ હિન્દી ફિલ્મ અહીંના સિનેમાઘરોમાં પ્રસારિત કરવા પર પ્રતિબંધ મુકી દેવાયો છે.

કાઠમંડુના મેયર બાલેન શાહે ફિલ્મ અંગે વાંધો ઉઠાવ્યો

કાઠમંડુના મેયર બાલેન શાહે સોશિયલ મીડિયા પર ‘આદિપુરુષ’ અંગે પોસ્ટ શેર કરી છે. રામાયણ પર બનેલી આ ફિલ્મ જ્યાંરથી રિલિઝ થઈ છે, ત્યારથી નેપાળમાં વિરોધ જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં સીતાજીના જન્મવાળા ફેક્ટ્સ પર વિવાદ ઉભો થયો છે. આવી સ્થિતિમાં નેપાળમાં ‘આદિપુરુષ’ની સ્ક્રીનિંગ પર પ્રતિબંધ લગાવી દેવાયો હોવાના અહેવાલો સામે આવ્યા છે. બીજી તરફ કાઠમંડુ મહાનગર પાલિકાએ પણ માત્ર ‘આદિપુરુષ’ જ નહીં, પરંતુ તમામ હિન્દી ફિલ્મનું સ્ક્રીનિંગ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

નેપાળમાં ‘આદિપુરુષ’નો વિરોધ કેમ થયો ?

કાઠમંડુના મેયર બાલેન શાહે ટ્વીટ કરીને કહ્યું હતું કે, જ્યાં સુધી ‘આદિપુરુષ’ના નિર્માતા સીતાના જન્મવાળા ફેક્ટને યોગ્ય નહીં કરે ત્યાં સુધી ફિલ્મનું સ્ક્રીનિંગ બંધ રહેશે. વાસ્તવમાં નેપાળ સરકારનું કહેવું છે કે, સીતાજીનો જન્મ તરાઈવાળા ક્ષેત્ર જનકપુરમાં થયો હતો. બીજીતરફ ભારતમાં એવી માન્યતા છે કે, સીતાજીનો જન્મ સીતામઠીમાં થયો હતો… આ બાબતને લઈને હંમેશા બંને દેશો વચ્ચે વિવાદ રહ્યો છે.

Share: