પ્રેગ્નેન્સીના 35મા સપ્તાહમાં મળી ગર્ભપાતની મંજૂરી, જાણો કોર્ટના ઐતિહાસિક નિર્ણય અંગે

પ્રેગ્નેન્સીના 35મા સપ્તાહમાં મળી ગર્ભપાતની મંજૂરી, જાણો કોર્ટના ઐતિહાસિક નિર્ણય અંગે


– મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી (MTP) એક્ટ પ્રમાણે 24 સપ્તાહ બાદ ગર્ભપાતની મંજૂરી નથી મળતી

કોલકાતા, તા. 18 ફેબ્રુઆરી, 2022, શુક્રવાર

કોલકાતા હાઈકોર્ટે ગર્ભપાત સાથે સંકળાયેલા એક કેસમાં ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે પ્રેગ્નેન્સીના 35મા સપ્તાહમાં 36 વર્ષીય ગર્ભવતી મહિલાને ગર્ભપાત કરાવવા માટેની મંજૂરી આપી છે. દેશમાં પ્રથમ વખત કોઈ કોર્ટે 35 સપ્તાહની ગર્ભાવસ્થાને ખતમ કરવાની મંજૂરી આપી છે. કોર્ટે ગુરૂવારે આ મામલે નિર્ણય સંભળાવ્યો હતો. મહિલા અને તેના પતિએ ગર્ભપાત માટે કોર્ટમાં અરજી કરી હતી. 

ન્યાયમૂર્તિ રાજશેખર મથાની અધ્યક્ષતાવાળી પીઠે પોતાના આદેશમાં કહ્યું કે, મહિલા રાજ્ય સરકાર દ્વારા સંચાલિત SSKM હોસ્પિટલના ડોક્ટર્સની ટીમ પાસે ગર્ભપાત કરાવી શકે છે. પરંતુ ગર્ભપાત દરમિયાન કોઈ પણ પ્રકારની જટિલતા આવે તો તેની જવાબદારી મહિલાની રહેશે. 

કોર્ટે આ મામલે SSKM હોસ્પિટલના ડોક્ટર્સની એક ટીમની રચના કરી હતી. ટીમે મહિલાની તપાસ કરીને કોર્ટ સમક્ષ મેડિકલ રિપોર્ટ રજૂ કર્યો હતો. રિપોર્ટમાં જણાવાયું હતું કે, કોઈ પણ સંજોગોમાં બાળકની સામન્ય ડિલિવરી નહીં કરાવી શકાય. મેડિકલ બોર્ડે રિપોર્ટમાં એમ પણ કહ્યું હતું કે, જો કોઈ પણ રીતે બાળક જન્મ પણ લેશે તો પણ તે સામાન્ય જિંદગી નહીં જીવી શકે. 

24 સપ્તાહ બાદ ગર્ભપાતની મંજૂરી નહીં

અગાઉ 4 જાન્યુઆરી, 2022ના રોજ દિલ્હી હાઈકોર્ટે પણ આ પ્રકારનો નિર્ણય સંભળાવ્યો હતો. દિલ્હી હાઈકોર્ટે 28 સપ્તાહની પ્રેગ્નેન્સીના ગ્રભપાત માટે મંજૂરી આપી હતી. ભ્રૂણની ગંભીર અસામાન્યતાઓના કારણે તેવો નિર્ણય આપવામાં આવ્યો હતો. આવી અસામાન્યતાઓ સાથે જન્મતા નવજાતે અનેક સર્જરીઓમાંથી પસાર થવું પડે છે જે ખૂબ પીડાદાયક હોય છે. 

હકીકતે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી (MTP) એક્ટ પ્રમાણે 24 સપ્તાહ બાદ ગર્ભપાતની મંજૂરી નથી મળતી.

Share: