પ્રિયંકા ગાંધી વાડ્રાએ UPમાં મુખ્યમંત્રીના ચહેરાવાળું નિવેદન પાછું લીધું, કહ્યું- 'અકળાઈને એમ કહેલું'

પ્રિયંકા ગાંધી વાડ્રાએ UPમાં મુખ્યમંત્રીના ચહેરાવાળું નિવેદન પાછું લીધું, કહ્યું- 'અકળાઈને એમ કહેલું'


– મહિલાઓની સુરક્ષાના જે મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે ચર્ચા થવી જોઈએ તે મુદ્દાઓ મુખ્યત્વે કોંગ્રેસ ઉઠાવી રહી છેઃ પ્રિયંકા

નવી દિલ્હી, તા. 22 જાન્યુઆરી, 2022, શનિવાર

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના કહેવા પ્રમાણે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે તેઓ પાર્ટીનો એકમાત્ર ચહેરો નથી. તેમણે જણાવ્યું કે, ‘મારી પાર્ટી ક્યાંક-ક્યાંક મુખ્યમંત્રીનો ચહેરો કોણ બનશે એ નક્કી કરે છે અને ક્યાંક નથી નક્કી કરતી. હું એમ નહી કહેતી કે, હું જ મુખ્યમંત્રીનો ચહેરો છું. એ મેં ચિડાઈને કહી દીધું હતું કારણ કે, વારંવાર એ જ સવાલ થઈ રહ્યા હતા.’ 

વધુમાં પ્રિયંકાએ જણાવ્યું હતું કે, ‘અમે પૂરી તાકાતથી ચૂંટણી લડી રહ્યા છીએ. વિકાસ, બેરોજગારી, મોંઘવારી, મહિલાઓની સુરક્ષાના જે મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે ચર્ચા થવી જોઈએ તે મુદ્દાઓ મુખ્યત્વે કોંગ્રેસ ઉઠાવી રહી છે. કોંગ્રેસ જનતાનો અવાજ ઉઠાવી રહી છે, આશા છે કે, તેનું પરિણામ સારૂં આવે. તમામ રાજકીય દળો અસલીયત સંતાડીને ચૂંટણી સમયે એવા મુદ્દાઓ ઉઠાવવા માગે છે જે લાગણી સાથે જોડાયેલા છે જેમ કે જાતિ, સાંપ્રદાયિકતા પર આધારીત મુદ્દા કારણ કે, તેઓ વિકાસની વાત કરવા નથી માગતા. તેનાથી નુકસાન ફક્ત જનતાને અને ફાયદો રાજકીય દળોને થાય છે.’

આ સાથે જ પ્રિયંકા ગાંધીએ એવો સવાલ કર્યો હતો કે, ‘આ સરકારે બેરોજગારો, નવયુવાનો માટે શું કર્યું? ચૂંટણી આવે એટલે કહે છે કે, 25 લાખ નોકરીઓ આપીશું, કદી એમ સમજાવ્યું કે, રોજગાર ક્યાંથી આવશે? અમે એમ કહ્યું કે, અમે 20 લાખ નોકરીઓ આપીશું, અમે હવામાં જ નથી કહ્યું. અમે આખું ઘોષણાપત્ર કાઢ્યું છે. ઉત્તર પ્રદેશમાં 5 વર્ષથી આમની સરકાર છે, તેમને હવાઈઅડ્ડા, હાઈવેના ઉદ્ઘાટન માટે અને નવી ઈન્ડસ્ટ્રી સ્થાપવા પાછલો મહિનો જ મળ્યો.. શું આ પહેલા તેમના પાસે સમય નહોતો? ચૂંટણીના માત્ર એક મહિના પહેલા તમે બધી જાહેરાતો કરી રહ્યા છો, ઘોષણાઓ કરવી હોય તો નક્કર રીતે કરો.’

Share: