પ્રિયંકા ગાંધીનુ એલાન, યુપી વિધાનસભામાં કોંગ્રેસ 40 ટકા ટિકિટો મહિલાઓને આપશે

પ્રિયંકા ગાંધીનુ એલાન, યુપી વિધાનસભામાં કોંગ્રેસ 40 ટકા ટિકિટો મહિલાઓને આપશે

નવી દિલ્હી,તા.19 ઓક્ટોબર 2021,મંગળવાર

પ્રિયંકા ગાંધીના નેતૃત્વ હેઠળ કોંગ્રેસ યુપી વિધાનસભાની આગામી ચૂંટણી લડવાની છે.

પ્રિયંકા ગાંધીએ આ માટે તૈયારીઓ પણ કરવા માંડી છે. પ્રિયંકા ગાંધીએ મહિલાઓના દમ પર આગામ ચૂંટણી લડવાનો દાવ અજમાવ્યો છે. આજે તેમણે કહ્યુ હતુ કે, હું ઈચ્છું છું કે વધારે ને વધારે મહિલાઓ રાજકારણમાં આવે. કોંગ્રેસ આગામી ચૂંટણીમાં 40 ટકા મહિલાઓને ટિકિટ આપશે. અમે દરેક વિધાનસભા બેઠક માટે ઉમેદવારો પાસે અરજીઓ 15 નવેમ્બર સુધી મંગાવી છે. જે પણ ચૂંટણી લડવા માંગતા હોય તે આવેદનપત્ર આપે. અમે તેમને રાજકારણમાં મોકો આપીશું. વધારે ને વધારે મહિલાઓ આગળ આવે.

તેમણે આગળ કહ્યુ હતુ કે, મારૂ ચાલત તો હું 50 ટકા મહિલાઓને ટિકિટ આપત. હું હાલમાં તો યુપીની ઈન્ચાર્જ છું અને મેં યુપી માટે નિર્ણય લીધો છે. કેન્દ્ર સ્તરે પછી વિચારવામાં આવશે. રાજકીય પાર્ટીઓ વિચારે છે કે, મહિલાઓને બે હજાર રૂપિયા આપીને ગેસ સિલિન્ડર આપીને ખુશ કરી દઈશું પણ તેનાથી રાજનીતિમાં બદલાવ નહીં આવે. આપણે મહિલાઓએ એક બીજાને સાથ આપવો પડશે. તમારી સાથે ઉભેલી મહિલા તમારી બહેન છે તેવુ વિચારો અને તેની સાથે ઉભા રહો અને તેના માટે લડો.

Share: