પ્રદેશ અધ્યક્ષની પોસ્ટ 50 કરોડમાં વેચાઈ હોવાનો આરોપ, હવે તેલંગાણા કોંગ્રેસમાં આંતરિક ઘમાસાણ

પ્રદેશ અધ્યક્ષની પોસ્ટ 50 કરોડમાં વેચાઈ હોવાનો આરોપ, હવે તેલંગાણા કોંગ્રેસમાં આંતરિક ઘમાસાણ

નવી દિલ્હી,તા.13.જુલાઈ.2021

રાજસ્થાન, હરિયાણા, પંજાબ બાદ હવે તેલંગાણા કોંગ્રેસનો આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે.

તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ કમિટીના સચિવ કૌશિક રેડ્ડીએ એક ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ પોતાનુ રાજીનામુ આપ્યુ છે અને સાથે સાથે પ્રદેશ અધ્યક્ષ એ.રેવાંથ રેડ્ડી પર આ પદ માટે 50 કરોડ રુપિયાની લાંચ આપી હોવાનો આરોપ લગાવ્યો છે.

રેડ્ડીએ પત્રકાર પરિષદમાં કહ્યુ હતુ કે, તેલંગાણામાં દામોદર રાજનરસિમ્હા, ડી શ્રીધર બાબૂ, ભટ્ટી વિક્રમાર્કા જેવા સિનિય રનેતાઓને બાજુ પર મુકીને રેવાંથ રેડ્ડીને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બનાવી દેવાયા છે.સાંસદ રેવાંથે આ પદ મેળવા માટે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના તેલંગાણાના ઈન્ચાર્જ મણિકમ ટાગોરને 50 કરોડ રુપિયા આપ્યા છે.

આ આરોપના જવાબ આપતા ટાગોરે કહ્યુ હતુ કે, તેલંગાણામાં મારી જવાબદારી ટીઆરએસને હરાવવાની છે.જે નેતાઓ કેસીઆરના વફાદાર છે તે મારા પર ખોટા આરોપ લગાવી રહ્યા છે.હવે મારા વકીલ કૌશિક રેડ્ડીને માનહાનીની નોટિસ મોકલી રહ્યા છે.તેમનુ હવે કોર્ટમાં સ્વાગત થશે.

આ પહેલા કૌશિક રેડ્ડીની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી.ક્લિપમાં તેઓ બહુ જલ્દી ટીઆરએસ પાર્ટી જોઈન કરવાના હોવાનુ કહેતા સંભળાય છે.સાથે સાથે તેઓ ટીઆરએસના એક કાર્યકરને યુવાઓને 2000 થી 5000 રુપિયા આપીને પાર્ટીમાં સામેલ કરાવવા માટે પણ કહી રહ્યા છે.આ ઓડિયો ક્લિપ સામે આવ્યા બાદ તેમને પાર્ટીમાંથી રવાના કરી દેવાયા છે.

Share: