×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પેટ્રોલમાં 24 અને ડીઝલમાં 29 પૈસાનો વધારો, 22 દિવસમાં 14 વખત ભાવવધારો


- જયપુરમાં પ્રથમ વખત પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર

- એક દિવસના વિરામ પછી ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા

- મુંબઇમાં પેટ્રોલ રૂ. 99.94, ડીઝલ રૂ. 91.87 : દિલ્હીમાં પેટ્રોલ રૂ. 93.68 અને ડીઝલ રૂ. 84.61

નવી દિલ્હી, તા. 27 મે 2021, ગુરૂવાર

એક દિવસ ભાવ સ્થિર રહ્યાં પછી આજે ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા હતાં. આજે એક લિટર પેટ્રોલના ભાવમાં 24 પૈસા અને એક લિટર ડીઝલના ભાવમાં 29 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને રૂ. 93.68 રૂપિયા અને લિટર ડીઝલનો ભાવ 84.61 રૂપિયા થઇ ગયો છે. જયપુરમાં પ્રથમ વખત પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર થઇ ગયો છે. જયપુરમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને રૂ. 100.17 રૂપિયા થઇ ગયો છે. 

આજના ભાવવધારા પછી મુંબઇમાં પણ એક લિટર પેટ્રોલનો ભાવ વધીને 100 રૂપિયાની નજીક થઇ ગયો છે. મુંબઇમાં એક લિટર પેટ્રોલનો ભાવ 99.94 રૂપિયા અને ડીઝલનો ભાવ વધીને 91.87 રૂપિયા થઇ ગયો છે તેમ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની વેબસાઇટમાં જણાવવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક શહેરોમાં અગાઉથી જ પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધીને 100 રૂપિયાને પાર થઇ ગયો છે. આ અગાઉ ભોપાલ પ્રથમ પાટનગર હતું જ્યાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર થઇ ગયો હતો. હવે રાજસ્થાનના પાટનગર જયપુરમાં પણ પેટ્રોલનો ભાવ વધીને 100 રૂપિયાને પાર થઇ ગયો છે. 

ચાલુ મહિનામાં 14મી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળ સહિતના પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને પગલે 18 દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં આવ્યા ન હતાં. 18 દિવસના વિરામ પછી ચોથી મેથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં આવ્યા છે. 

ચોથી મેથી અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવમાં કુલ 3.28રૂપિયા અને ડીઝલના ભાવમાં કુલ 3.88 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર એક લિટર પેટ્રોલ પર 32.90 રૂપિયા અને એક લિટર ડીઝલ પર 31.80 રૂપિયા એક્સાઇઝ ડયુટી વસુલ કરે છે. આ ઉપરાંત રાજ્ય સરકારો દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર અલગ અલગ દરે વેટ વસૂલ કરવામાં આવે છે.