પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટમાં નવી અરજી, ડીલમાં સામેલ રહેલા લોકો વિરૂદ્ધ FIRની માગ

પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટમાં નવી અરજી, ડીલમાં સામેલ રહેલા લોકો વિરૂદ્ધ FIRની માગ


– ભારત સરકારે 2017માં મિસાઈલ પ્રણાલી સહિત હથિયારો માટે 2 અબજ ડોલરના પેકેજના હિસ્સા તરીકે પેગાસસ ખરીદ્યું હતું: રિપોર્ટ

નવી દિલ્હી, તા. 30 જાન્યુઆરી, 2022, રવિવાર

સુપ્રીમ કોર્ટમાં પેગાસસ મામલે એક નવી અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં વિવાદિત ડીલમાં સામેલ રહેલા લોકો વિરૂદ્ધ FIR દાખલ કરવાની માગણી કરવામાં આવી છે. આ અરજીમાં ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટનો હવાલો આપવામાં આવ્યો છે કે, ભારત સરકારે 2017માં મિસાઈલ પ્રણાલી સહિત હથિયારો માટે 2 અબજ ડોલરના પેકેજના હિસ્સા તરીકે પેગાસસ ખરીદ્યું હતું. 

સુપ્રીમ કોર્ટમાં મૂળ પેગાસસ મામલે મુખ્ય અરજીકર્તા રહેલા વકીલ એમએલ શર્માએ જ નવી અરજી દાખલ કરી છે. શર્માએ સુપ્રીમ કોર્ટને ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટનું સંજ્ઞાન લેવા અને ઈઝરાયલ સાથેના કરારમાં સામેલ હતા તેમના સૌના વિરૂદ્ધ સીધી FIR દાખલ કરવાનો આગ્રહ કર્યો છે. આ સાથે જ અરજીમાં ભારત-ઈઝરાયલ વચ્ચે થયેલા આ કરારની તપાસની માગણી પણ કરવામાં આવી છે. 

અગાઉ CJI એન વી રમનાના નેતૃત્વવાળી પીઠે આ ડીલ સાથે સંકળાયેલા કેસમાં 3 સદસ્યોવાળી વિશેષજ્ઞ તપાસ સમિતિની રચના કરી હતી. 

ઉલ્લેખનીય છે કે, અમેરિકી સમાચાર પત્ર ન્યૂયોર્ક ટાઈમ્સે પોતાની તપાસનો હવાલો આપીને રિપોર્ટ છાપ્યો હતો કે, ઈઝરાયલ સરકારે ભારતને પેગાસસની ટેક્નોલોજી વેચી હતી. આ રિપોર્ટના આધાર પર શર્માએ માગણી કરી છે કે, કરાર માટે સંબંધિત અધિકારી કે ઓથોરિટી વિરૂદ્ધ એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરાવવામાં આવે. 

Share: