પેગાસસ જાસૂસી કેસ: 500 થી વધુ લોકોએ CJI રમન્નાને પત્ર લખી હસ્તક્ષેપની માંગ કરી

પેગાસસ જાસૂસી કેસ: 500 થી વધુ લોકોએ CJI રમન્નાને પત્ર લખી હસ્તક્ષેપની માંગ કરી

નવી દિલ્હી, 29 જુલાઇ 2021 ગુરૂવાર

પેગાસસ જાસૂસી કેસ અંગેનો વિવાદ હજી સમાપ્ત થાય તેવું લાગતું નથી. હવે દેશનાં 500 થી વધુ લોકો અને સંગઠનોએ સપ્રીમ કોર્ટનાં મુખ્ય ન્યાયાધીશને પત્ર લખીને આ મામલામાં દખલ કરવાની વિનંતી કરી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, 500 થી વધુ લોકો અને ગૃપોએ CJI એન વી રમન્નાને ઇઝરાયેલી કંપની NSO પાસેથી પેગાસસ  સ્પાયવેરની ખરીદીને તાત્કાલિક બંધ કરવાની વિનંતી કરી છે. 

CJI ને લખેલા પત્રમાં, પેગાસસ સ્પાયવેરના ઉપયોગ અંગે વિવિધ મીડિયા રિપોર્ટમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. CJIને પત્ર લખનારાઓએ આશ્ચર્ય વ્યક્ત કર્યું  કે પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ વિપક્ષનાં નેતાઓ શિક્ષણવિદો, પત્રકારો, માનવાધિકાર કાર્યકર્તાઓ, વકીલો વિદ્યાર્થીઓ, અને જાતીય શોષણનો ભોગ બનેલા લોકોની જાસૂસી કરવા માટે કરવામાં આવી રહ્યો હતો.

પત્રમાં વિનંતી કરવામાં આવી છે કે સુપ્રીમ કોર્ટ આ બાબતની તપાસ કરે કે શું કોઇ ભારતીય સંસ્થા કે કંપનીએ પેગાગસ ખરીદ્યું હતું. અને જો હા, તો તે માટે ચૂકવણી કેવી રીતે કરવામાં આવી? તેની પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે, કે જો પેગાસસને ખરીદી કરવામાં આવી છે, તો પછી કોની જાસૂસી કરવી છે, તે કેવી રીતે નક્કી કરવામાં આવ્યું અને તેનાથી શું ફાયદો થયો છે.

આ ઉપરાંત, પત્ર પર હસ્તાક્ષર કરનારા લોકોએ સુપ્રીમ કોર્ટને જાતીય સતામણી પર લૈંગિક રીતે તટસ્થ ડેટા સુરક્ષા અને પ્રાયવસી પોલીસી અપનાવવાની વિનંતી કરી છે. આ પત્રમાં સુપ્રીમ કોર્ટના એક અધિકારીનાં કથિત જાસૂસીના મુદ્દાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમણે તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ સામે જાતીય સતામણીના આરોપો લગાવ્યા હતા.

પત્ર લખનારાઓમાં અરુણા રાય, હર્ષ મંદર, અંજલી ભારદ્વાજ, વૃંદા ગ્રોવર, રોમિલા થાપર, લેખિકા અરુંધતી રાય, અનુરાધા ભસીન વગેરેનો સમાવેશ થાય છે.

Share: