પીવી સિંધુએ બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો, બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની

પીવી સિંધુએ બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો, બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની

ટોક્યો, 1 ઓગસ્ટ 2021 રવિવાર

ભારતીય શટલર પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં ઈતિહાસ રચ્યો છે. સિંધુએ બ્રોન્ઝ મેડલ માટે રમાયેલી મેચમાં ચીનની હી બિંગ ઝીયાઓને સીધો સેટમાં 21-13, 21-15થી હરાવી છે. સિંધુએ ચીની ખેલાડી સામે પ્રથમ સેટ  આસાનીથી જીત્યો, પરંતુ બીજો સેટ જીતવા માટે સંઘર્ષ કરવો પડ્યો. આ જીત સાથે સિંધુ સતત બે ઓલિમ્પિક ગેમ્સમાં દેશ માટે મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની ગઈ છે.

સિંધુએ અગાઉ બ્રાઝિલના રિયોમાં યોજાયેલી ઓલિમ્પિક રમતોત્સવમાં સિલ્વર મેડલ જીત્યો હતો, પરંતુ તે ગોલ્ડ જીતવાથી માત્ર એક ડગલું દૂર રહી ગઇ હતી. ત્યારે તેને ફાઇનલમાં સ્પેનની કેરોલિના મારિન સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

બેડમિન્ટનની વાત કરીએ તો ભારતને બેડમિન્ટનમાં ઓલિમ્પિકમાં 3 મેડલ મળ્યા છે. સાઇના નેહવાલે 2012 લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સિંધુને સેમિફાઇનલમાં ચીનની તાઇપેઇની તાઇ ઝું યિંગ સામે 18-21, 12-21થી હારનો સામનો કરવો પડ્યો હતો. સિંધુ ભલે ગોલ્ડ જીતી ન શકી હોય પણ તેણે બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે.

Share: