×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પીએમ પદનો આદર પણ અમારા આત્મસન્માન સાથે સમજૂતી નહીં કરીએ : ખેડૂત નેતા ટિકૈત


26મીની હિંસાની તપાસ માટે એફએસએલની ટીમ લાલ કિલ્લા બાદ હવે આઇટીઓ વિસ્તારમાં પહોંચી

પોલીસના અનેક બેરિકેડ્સને પાર કરી ગાઝીપુર સરહદે અનેક ખેડૂતો પહોંચ્યા, ફરી પહેલા જેવો માહોલ સર્જાયો

નવી દિલ્હી, તા. 31 જાન્યુઆરી, 2021, રવિવાર

ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય અધ્યક્ષ નરેશ ટિકૈતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના એ નિવેદનનો જવાબ આપ્યો જેમાં તેમણે ખેડૂતો સાથે વાતચીત માટે તૈયાર હોવાનું કહ્યું હતું. ટિકૈતે કહ્યું હતું કે આંદોલનકારી ખેડૂતો વડા પ્રધાન પદનું સન્માન કરશે પણ પોતાના આત્મ સન્માનની રક્ષા માટે પણ પ્રતિબદ્ધ છે.

સાથે તેમણે માગણી કરી કે તાત્કાલીક આંદોલનકારી ખેડૂતોને છોડવામાં આવે કે જેમની 26મીની હિંસાના જુઠા કેસો હેઠળ ધરપકડ કરાઇ છે. દરમિયાન આંદોલન ઉત્તર પ્રદેશ પહોંચી ગયું છે, છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ મોટી મહાપંચાયત મળી છે જેમાં હજારો ખેડૂતો જોડાયા હતા. 

સાથે નરેશ ટિકૈતે એમ પણ કહ્યું કે 26મી જાન્યુઆરીએ થયેલી હિંસા એક કાવતરાનો ભાગ જ હતો, જ્યારે રાકેશ ટિકૈતે કહ્યું હતું કે કૃષિ કાયદા પરત ન લેવા પાછળ હકિકતમાં શું મજબુરી છે. અમે વાતચીત માટે તૈયાર છીએ, સરકાર અમારી પાસે આવીને વાતચીતનો પ્રસ્તાવ આપે અમે તૈયાર છીએ. 

અમે દુનિયાની સામે ભારત સરકારનું માન સન્માન ઘટવા નહીં દઇએ. ઉત્તર પ્રદેશમાં ચૂંટણીઓ યોજાશે જેને ટાંકીને નરેશ ટિકૈતને પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે ખેડૂતોને અમે નહીં કહીએ કે તમે આ કે બીજા પક્ષને મત આપો પણ ખેડૂતો જાતે જ નક્કી કરશે કે જે પક્ષની સરકારે તેમની સાથે અન્યાય કર્યો તેને ફરી મત આપવો કે નહીં. 

બીજી તરફ દિલ્હીના આઇટીઓ વિસ્તારમાં હિંસાની અનેક ઘટનાઓ 26મી જાન્યુઆરીએ બની હતી, જેની તપાસ કરી રહેલી એફએસએલ ટીમ આઇટીઓ પહોંચી હતી. આઇટીઓ વિસ્તારમાં એક આંદોલનકારી ખેડૂતનું મોત નિપજ્યું હતું. 

આ બધી ઘટનાઓને ધ્યાનમાં રાખીને એફએસએલની ટીમ લાલ કિલ્લા, ગાઝીપુર બોર્ડર અને આઇટીઓએ જઇને તપાસ કરી રહી છે. સાથે જ દિલ્હી પોલીસે વધુ 50 નવી નોટિસ મોકલી છે, જેમાં ખેડૂત નેતાઓનો પણ સમાવેશ થાય છે.  દરમિયાન ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બનતંુ જાય છે અને હવે તે ઉત્તર પ્રદેશમાં પણ પહોંચી ગયું છે.  

અગાઉ મુઝફ્ફરનગરમાં મહાપંચાયતમાં હજારો ખેડૂતો એકઠા થયા હતા, ત્યારે હવે બાગપતમાં પણ એક વિશાળ પંચાયત બોલાવાઇ હતી જેમાં પણ હજારોની સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા. છેલ્લા ત્રણ દિવસમાં આ ત્રીજી મહાપંચાયત ઉત્તર પ્રદેશમાં મળી છે.  જેને પગલે હવે સરકાર પણ ભીસમાં આવી રહી છે અને વાતચીતનો પ્રસ્તાવ આપવા લાગી છે.

દરમિયાન હરિયાણામાં સરકારે ઇન્ટરનેટ પર પ્રતિબંધ મુકી દીધો હતો જેને પગલે હવે ખેડૂત નેતાઓ અને ખાપ પંચાયતે જાહેરાત કરી હતી કે તેઓ આ સિૃથતિમાં ગામના મંદિરોના સ્પીકરનો ઉપયોગ પોતાની જાહેરાતો માટે કરશે પણ આંદોલન ચાલુ જ રહેશે.

હાલ દિલ્હીના ગાઝીપુર બોર્ડર પર હજારોની સંખ્યામાં ખેડૂતો એકઠા થઇ રહ્યા છે, પોલીસે અનેક બેરિકેડ્સ લગાવી દીધા હોવા છતા ખેડૂતો હવે મોટી સંખ્યામાં અહીં પહોંચી રહ્યા છે, અને મોટા ભાગના ખેડૂતો ઉત્તર પ્રદેશથી આવવા લાગ્યા છે.  

ગાઝીપુર બોર્ડરે ખેડૂતોએ ડેરો જમાવ્યો, નૃત્યુ, સંગીતનો સમાવેશ

નવી દિલ્હી, તા. 31

દિલ્હીની ગાઝીપુર બોર્ડર પર ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બનતંુ જાય છે. અહીં જે ખેડૂતો પહોંચી ગયા છે તેઓએ પહેલાની જેમ આંદોલનને ફરી શરૂ કરી દીધુ છે. પ્રાપ્ત રિપોર્ટ અનુસાર પોલીસે અહી મોટી સંખ્યામાં બેરિકેડ્સ ખડકી દીધા છે. 

જોકે ખેડૂતો પર હવે તેની કોઇ જ અસર નથી થઇ રહી, ગાઝીપુર બોર્ડર પર ખેડૂતોએ રંગ જમાવી દીધો છે, અહીં કેટલાક ડાન્સ કરતા પણ જોવા મળ્યા હતા. સાથે લોકગીતો અને સંગીતનો કાર્યક્રમ પણ કરવામાં આવી રહ્યો છે.

જ્યારે પ્રશાસને કહ્યું હતું કે અમે ડ્રોનની મદદથી અહીં આવતા વાહનો પર નજર રાખી રહ્યા છીએ. સાથે અન્ય રાજ્યોમાંથી આવતા ખેડૂતોના વાહનોનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અહીં ઇન્ટરનેટને બે દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે.