×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પાકિસ્તાની રાષ્ટ્રપતિએ સેના સામે મોરચો માંડ્યો ! 2 મહત્વના બિલો નામંજુર કર્યા, કહ્યું ‘અલ્લાહ બધુ જાણે છે…’

ઈસ્લામાબાદ, તા.20 ઓગસ્ટ-2023, રવિવાર

પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ આજે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, મેં ઓફિશિયલ સિક્રેટ એક્ટ અને પાકિસ્તાન આર્મી એક્ટમાં સુધારો કરવા માટેના 2 બિલ નામંજુર કર્યા છે. તેમણે કહ્યું કે, આ બંને બિલો પર મારો ઊંડો મતભેદ હતો. પોતાના કર્મચારીઓ પર છેતરપિંડીનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે, ‘અલ્લાહ બધુ જાણે છે...’ આરિફ અલ્વી પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના નજીકના હોવાનું કહેવાય છે. ઉપરાંત તેમણે આ બિલો નામંજુર કરી સેના વિરુદ્ધ એક પ્રકારનો વિદ્રોહ કર્યો હોવાનું કહેવાય છે.

હસ્તાક્ષર કર્યા વિના જ બિલ નામંજુર કરી દેવાયા

રાષ્ટ્રપતિ આરિફ અલવીએ ખુલાસો કરતા કહ્યું કે, તેમણે પોતાના કર્મચારીઓને નિર્દેશ આપ્યો હતો કે, આ બિલને બિનઅસરકારક બનાવી નિર્ધારિત સમયની અંદર હસ્તાક્ષર કર્યા વિના પરત કરી દેવામાં આવે. અલ્વીએ સોશિયલ મીડિયા એક્સ (ટ્વિટર) પર એક નિવેદનમાં કહ્યું કે, ‘મેં ઓફિશિયલ સિક્રેટ એક્ટ-2023 અને પાકિસ્તાન આર્મી એક્ટ-2023 પર હસ્તાક્ષર કર્યા નથી, કારણ કે હું આ કાયદાથી અસહમત હતો.’

અગાઉ બિલને મંજુરી મળી હોવાના અહેવાલો સામે આવ્યા હતા

અગાઉ પાકિસ્તાની મીડિયા અહેવાલોમાં જણાવાયું હતું કે, રાષ્ટ્રપતિએ શનિવારે બંને બિલોને મંજુરી આપી દીધી હતી. ડોન અખબારના જણાવ્યા અનુસાર વિપક્ષી સાંસદોના હોબાળા વચ્ચે બંને બિલોને સીનેટ અને નેશનલ એસેમ્બલી બંનેએ મંજુરી આપી દીધી હતી. 

ઓફિશિયલ સિક્રેટ એક્ટના સુધારામાં શું છે ?

દરમિયાન ‘ઓફિશિયલ સિક્રેટ એક્ટ-2023’ બિલનો હેતુ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીના સભ્યો, બાતમીદારો અથવા સ્રોતોની ઓળખ જાહેર કરવા સામે ગુનો દાખલ કરવા માટેનો હતો. ડોનના જણાવ્યા મુજબ આ ગુના બદલ સજામાં ત્રણ વર્ષની જેલ અને 10 મિલિયન (એક કરોડ) પાકિસ્તાની રૂપિયાનો દંડ થઈ શકે છે. 

પાકિસ્તાન આર્મી એક્ટના સુધારામાં શું છે ?

ઉપરાંત પાકિસ્તાન આર્મી એક્ટ, દેશની સુરક્ષા અથવા સશસ્ત્ર દળોના હિતને હાનિ પહોંચાડતી માહિતીનો ખુલાસો કરવાના ગુનામાં 5 વર્ષની સખત કેદની સજાને મંજુરી આપે છે. અહેવાલો મુજબ નવો સુધારામાં સેના પ્રમુખને વધુ શક્તિઓ અપાઈ છે અને પૂર્વ સૈનિકો દ્વારા સેના વિરુદ્ધ કરાતા રાજકારણને રોકે છે. આ એક્ટમાં સેનાની બદનક્ષી માટે સખત કેદનો પ્રસ્તાવ છે.