પાકિસ્તાનમાં ચીની એન્જિનિયરો પર મોટો આતંકી હુમલો, 4 ચીની નાગરિકો સહિત 13ના મોત

પાકિસ્તાનમાં ચીની એન્જિનિયરો પર મોટો આતંકી હુમલો, 4 ચીની નાગરિકો સહિત 13ના મોત

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ચીની એન્જિનિયરોને લઈ જઈ રહેલા કાફલા પર આંતકી હુમલો થયાના સમાચાર સામે આવી રહ્યા છે. આ હુમલામાં ઘણા લોકોના મોત થયા છે, જ્યારે પાકિસ્તાનના બે સુરક્ષાકર્મી ઘાયલ થયા છે. આ હુમલો આજે ગ્વાદરમાં ફકીર બ્રિજ પર થયો હતો. પાકિસ્તાને આ હુમલાની પુષ્ટિ કરી છે. આની જવાબદારી બલૂચ લિબરેશન આર્મી દ્વારા લેવામાં આવી છે. આ હુમલામાં 4 ચીની નાગરિકો અને 9 પાકિસ્તાની સૈનિકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઘટનામાં  23 ચીની એન્જિનિયરો ત્રણ એસયુવી અને એક વેનના કાફલામાં આગળ વધી રહ્યા હતા. આ દરમિયાન તેના પર આંતકી હુમલો શરૂ થયો હતો. હુમલા દરમિયાન હુમલાખોરોએ IED વિસ્ફોટ પણ કર્યો અને વાન પર ફાયરિંગ કર્યું. 

7 વાહનોના કાફલા પર હુમલો કરવામાં આવ્યો

મળતી માહિતી મુજબ, ગ્વાદરના ફકીર બ્રિજ પર ચીની એન્જિનિયરોને લઈ જઈ રહેલા 7 વાહનોના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ બંને તરફથી સતત વિસ્ફોટ અને ગોળીબાર થઈ રહ્યો હતો. આ હુમલા બાદ ગ્વાદરને સંપૂર્ણ એલર્ટ પર રાખવામાં આવ્યું હતું અને કોઈપણ વાહનને શહેરમાં જવા અને પ્રવેશવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.

બલૂચ લિબરેશન આર્મીએ હુમલાની જવાબદારી સ્વીકારી 

બલૂચ લિબરેશન આર્મીની આત્મઘાતી ટુકડીએ ચીની એન્જિનિયરોના કાફલા પર હુમલાની જવાબદારી સ્વીકારી છે. BLAએ દાવો કર્યો છે કે, હુમલો હજુ પણ ચાલુ છે અને વધુ માહિતી પછી જાહેર કરવામાં આવશે. ચીની એન્જિનિયરોના કાફલા પર હુમલા બાદ ગ્વાદરમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો ચાલુ છે. બંદરને કોર્ડન કરી દેવામાં આવ્યા છે કારણ કે તમામ પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યા છે.

Share: