પાકિસ્તાનની સૌથી મોટી મુર્ખામી, ભારતને અક્કડ દેખાડવી ભારે પડી, લૂંટાવી દીધો ખજાનો

પાકિસ્તાનની સૌથી મોટી મુર્ખામી, ભારતને અક્કડ દેખાડવી ભારે પડી, લૂંટાવી દીધો ખજાનો

નવી દિલ્હી, તા.10 જાન્યુઆરી-2023, મંગળવાર

મોદી સરકારના જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવવાના નિર્ણયના વિરોધમાં પાકિસ્તાને ભારત સાથે વેપાર સંબંધ બંધ કરી દીધા હતા. જોકે આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનને ભારત સામે અક્કડ દેખાડવી ભારે પડી રહી છે.

પાકિસ્તાની વિદેશી મુદ્રા ભંડાર સ્થિતિ ખુબ જ ખરાબ છે. પાકિસ્તાન પાસે માત્ર 3 સપ્તાહની આયાત જેટલા જ નાણાં બચ્યા છે. પાકિસ્તાન હાલ ઘઉં અને ખાંડ જેવી ચીજ-વસ્તુઓ માટે પોતાનો ખજાનો લુંટાવી રહી છે. પાકિસ્તાનને કેટલીક આવશ્યક ચીજવસ્તુઓ વધુ નાણાં ચૂકવી અન્ય દેશોમાંથી આયાત કરી રહી છે. જો તેના ભારત સાથેના સંબંધો સારા હોત તો પાકિસ્તાન  ભારત પાસેથી સરળતાથી આવશ્યક ચીજવસ્તુઓ મેળવી શકતો હતો. હાલ પાકિસ્તાન શિપિંગ દ્વારા અન્ય દેશોમાંથી આયાત કરી રહ્યો છે.

જો પાકિસ્તાને ભારત સાથે સંબંધો સારા રાખ્યો હોત તો…

ઘઉં, ખાંડ, ઘી વગેરે જેવી આવશ્યક ચીજવસ્તુઓની અછતનો સામનો કરી રહેલું પાકિસ્તાન વધુ ખર્ચ કરી રશિયા, યુએઈ, ઈજિપ્ત, બ્રાઝિલ, સિંગાપોર વગેરે જેવા દેશોમાંથી આયાત કરી રહ્યું છે. જો પાકિસ્તાને ભારત સાથેના સંબંધો સારા રાખ્યા હોત તો આ આયાત ખર્ચમાં મોટો ઘટાડો થયો હોત. દૂરના દેશોમાંથી આયાત કરવા માટે પાકિસ્તાનનો શિપિંગ ચાર્જ ઘણો વધી ગયો છે. ભારત ઘણા દેશોમાં ઘઉંની નિકાસ કરે છે. જોકે પાકિસ્તાને અન્ય દેશોમાંથી ઘઉંની આયાત કરવા માટે વધુ નાણાં ચૂકવવા પડે છે.

પાકિસ્તાન અક્કડ દેખાડી પોતાને જ નુકસાન કરી રહ્યું

પાકિસ્તાન સરકાર ઘઉંની અછતને પહોંચી વળવા કુલ 75 લાખ ટન ઘઉંની આયાત કરી રહી છે. પાકિસ્તાન સૌથી વધુ ઘઉં રશિયામાંથી આયાત કરે છે. સોમવારે જ રશિયાથી ઘઉંનો મોટો જથ્થો કરાચી બંદરે પહોંચ્યો છે. આગામી દિવસોમાં રશિયાથી 4 લાખ 50 હજાર ટન ઘઉં પાકિસ્તાન પહોંચશે.

પાકિસ્તાન રશિયા અને યુક્રેન જેવા દેશોમાંથી ઘઉંની આયાત કરે છે પરંતુ બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક ઘઉંના ભાવમાં વધારો થયો છે. પાકિસ્તાન હાલ રશિયા પાસેથી વધેલા ભાવે જ ઘઉં ખરીદી કરી રહ્યું છે. જ્યારે ભારત, યુએઈ, કતાર, ઓમાન, શ્રીલંકા વગેરે દેશોને સબસિડીના દરે ઘઉં વેચી રહ્યું છે. કાશ્મીર મુદ્દાને વચ્ચે લાવીને પાકિસ્તાન પોતાને જ નુકસાન કરી રહ્યું છે.

ભારત-પાકિસ્તાન વચ્ચે નૂરનો ખર્ચ ઘણો ઓછો

જ્યારે ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધો થોડા સારા હતા, ત્યારે બંને દેશો વચ્ચેનો મોટાભાગનો વેપાર સડક માર્ગે ટ્રક દ્વારા થતો હતો, જેના કારણે આયાતની કિંમત ઓછી થતી હતી, જોકે 5મી ઓગસ્ટ-2019ના રોજ ભારત સરકારે કાશ્મીરમાંથી કલમ 370 હટાવીને જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કર્યો હતો. ત્યારબાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચેના રાજદ્વારી અને વેપાર સંબંધોમાં તિરાડ પડી છે અને દ્વિપક્ષીય વેપાર લગભગ બંધ જ થઈ ગયો છે. પાકિસ્તાન સિવાય લગભગ તમામ પડોશી દેશો ભારતમાંથી ઘઉં, ખાંડ વગેરે જેવી ચીજવસ્તુઓની આયાત પર ઓછો ખર્ચ કરી રહ્યા છે. વ્યાપારી સૂત્રોનું કહેવું છે કે બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા વગેરે દેશો ભારતમાંથી મોટા પ્રમાણમાં ઘઉંની આયાત કરે છે.

લોટના ભાવ આસમાને

ગત વર્ષે પાકિસ્તાનમાં ભયંકર પૂર આવ્યું હતું. આ પૂરના કારણે ઘઉંના પાકનો નાશ થયો હતો. પાકિસ્તાનમાં ઘઉંનું સ્થાનિક ઉત્પાદન સંપૂર્ણપણે ઘટી ગયું, ત્યારબાદ તેને આયાત પર નિર્ભર રહેવું પડ્યું છે. એક કિલો લોટ માટે લોકોએ 160 રૂપિયા ચૂકવવા પડે છે. સરકાર ગરીબ લોકોને 10 કિલો ઘઉંનું પેકેટ સબસિડી પર આપી રહી છે, જેની કિંમત 650 રૂપિયા રખાઈ છે, પરંતુ આ સબસિડી વિનાનો લોટ પણ બજારમાંથી ગાયબ થઈ ગયો છે. પાકિસ્તાનમાં 100 કિલો ઘઉંની બોરીની કિંમત 12,500 રૂપિયે પહોંચી ગઈ છે.

Share: