પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ ભીષણ હિંસા યથાવત્, 3ના મોત, IPS ઈજાગ્રસ્ત

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ ભીષણ હિંસા યથાવત્, 3ના મોત, IPS ઈજાગ્રસ્ત

Image – Twitter

કોલકાતા, તા.12 જુલાઈ-2023, બુધવાર

પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણીની જાહેરાત થતાં જ હિંસા શરૂ થઈ ગઈ હતી. મતદાન ટાણે પણ હિંસા જોવા મળી હતી અને ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ પણ હિંસા યથાવત્ છે. આજે સવારે દક્ષિણ 24 પરગણામાં થયેલી હિંસામાં ત્રણ લોકોના મોત થયા છે અને એક આઈપીએસ અધિકારી ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલો મળ્યા છે. 8 જુન બાદ અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 44 લોકોના મોત થયા છે. ચૂંટણીના દિવસે જ 18 લોકોના મોત થયા હતા.

પરિણામમાં TMCનો દબદબો, ભાજપ ઘણી પાછળ

પંચાયત ચૂંટણીમાં ટીએમસીએ મોટી જીત મેળવી છે. સત્તાધારી પક્ષે જીત મામલે ભાજપને ઘણી પાછળ છોડી દીધી છે. ગત ચૂંટણીમાં ભાજપે જ્યાં જીત નોંધાવી હતી, ત્યાં ટીએમસીએ જીત મેળવી… અત્યાર સુધીની જાણકારી મુજબ ટીએમસી 33 હજારથી વધુ ગ્રામ પંચાયત બેઠકો જીતી ચુકી છે. જ્યારે ભાજપે 9 હજાર બેઠકો પર જીત મેળવી છે. કોંગ્રેસને અઢી હજાર બેઠકો મળી છે. 2018માં ટીએમસીએ 48 હજાર 636 બેઠકોમાંથી 38,188 બેઠકો પર જીત નોંધાવી હતી.

જિલ્લા પરિષદની બેઠકોમાં પણ ટીએમસીની જ બોલબાલા

બીજીતરફ પંચાયત સમિતિની 9730 બેઠકોમાંથી ટીએમસીને 2612 બેઠકો પર અડીંગો જમાવ્યો છે અને ભાજપને માત્ર 275 બેઠકો જ મળી છે. જ્યારે જિલ્લા પરિષદની બેઠકોમાં પણ ટીએમસીની જ બોલબાલા છે. ચૂંટણીના દિવસે મોટાભાગે હિંસા અને બૂથ કેમ્પચિંગની ઘટનાઓ સામે આવી હતી. ત્યારબાદ 10 જુલાઈએ 697 બેઠકો પર ફરી મતદાન કરાવવું પડ્યું.

પોલીસ અધિકારીને ગોળી વાગી

દરમિયાન આજે દક્ષિણ 34 પરગણાના ભાંગોરમાં ટીએમસી અને આઈએસએફના કાર્યકર્તાઓ વચ્ચે હિંસક અથડાણ થઈ… ત્યારબાદ ક્રૂડ બોંબ ફેંકાયા.. ફાયરિંગ થયું… પોલીસે પણ રબ્બર બુલેટથી ફાયરિંગ કરવું પડ્યું અને અશ્રુગેસ છોડવા પડ્યા… એક પોલીસ અધિકારીએ કહ્યું કે, અથડામણમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે. આ ઉપરાંત એએસપી રેંકના પોલીસ અધિકારી ઈજાગ્રસ્ત થયા છે. તેમને ગોળી વાગી હતી. 

Share: