પંજાબના ભટિંડા મિલિટરી સ્ટેશન પર ફરી મોટી ઘટના, રાઈફલમાંથી ફાયરિંગ થતાં વધુ 1 જવાનનું મોત

પંજાબના ભટિંડા મિલિટરી સ્ટેશન પર ફરી મોટી ઘટના, રાઈફલમાંથી ફાયરિંગ થતાં વધુ 1 જવાનનું મોત

પંજાબના ભટિંડા મિલિટરી સ્ટેશન પર ફાયરિંગની ઘટનામાં સેનાના ચાર જવાનોના મોત બાદ 24 કલાકની અંદર વધુ એક મોટી ઘટના સામે આવી છે. ગઈકાલે રાત્રે અચાનક રાઈફલમાંથી થયેલા ફાયરિંગને કારણે અન્ય એક જવાનનું મોત થયું છે. 

આ ઘટના અંગે મળતી વધુ જાણકારી મુજબ એક જવાનને માથામાં ગોળી વાગી હતી. ગોળીનો અવાજ સાંભળીને બધા તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જવાનને મિલિટરી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. હાલમાં આ ઘટનાને અકસ્માત કહેવામાં આવી રહ્યો છે. પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ બાદ જ ખબર પડશે કે આ ઘટના છે કે પછી જવાને આત્મહત્યા કરી છે.

હોસ્પિટલમાં જ દમ તોડ્યો

ગોળીબારની ઘટના બાદ જવાન ગુર તેજસને તાત્કાલિક મિલિટરી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જો કે જવાનને માથામાં ગોળી વાગતાં અને વધુ પડતું લોહી વહી જવાને કારણે તેણે હોસ્પિટલમાં જ દમ તોડ્યો હતો. સેનાએ સ્થાનિક પોલીસને આ જાણકારી આપી છે. હાલ મૃતદેહને મિલિટરી હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. આજે પોસ્ટમોર્ટમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.

Share: