×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નીરજ ચોપડાએ રચ્યો ઈતિહાસ, વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય બન્યો

નીરજ ચોપરા (Neeraj chopra)એ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ જીતી લીધી છે. હંગેરીના બુડાપેસ્ટમાં નીરજે 88.17 મીટરના થ્રો સાથે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ પર કબજો કર્યો અને ઇતિહાસ રચ્યો છે. આ સાથે નીરજ જેવેલિન થ્રોની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો હતો. રવિવારે મોડી રાતે ફાઇનલમાં નીરજ પાસેથી ગોલ્ડ મેડલની અપેક્ષા રખાઈ હતી. 

નીરજે રચ્યો ઇતિહાસ, નિરાશ ન કર્યા 

વર્તમાન ઓલિમ્પિક ચેમ્પિયને નિરાશ કર્યા ન હતા. એટલું જ નહીં, તે જેવલિન થ્રોમાં એક જ સમયે ઓલિમ્પિક ગોલ્ડ અને વર્લ્ડ ચેમ્પિયનશિપ ગોલ્ડ જીતનાર વિશ્વનો માત્ર બીજો જેવલિન થ્રોઅર બન્યો. બીજી તરફ નીરજના નજીકના હરીફ પાકિસ્તાનના અરશદ નદીમે સિલ્વર મેડલ જીત્યો હતો.  

2016માં પણ જીત્યો હતો મોટી ચેમ્પિયનશિપ 

2016માં નીરજે જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ત્યારબાદ એથ્લેટિક્સમાં આવું કરનાર તે પ્રથમ ભારતીય બન્યો. 7 વર્ષ પછી નીરજે ફરીથી તેના ચમત્કારનું પુનરાવર્તન કર્યું અને વરિષ્ઠ સ્તરે પણ વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ બન્યો છે. આ રીતે નીરજે સિનિયર લેવલ પર દરેક મોટી ગેમ્સ અને ચેમ્પિયનશિપનો ખિતાબ જીતીને પોતાનું નામ ઈતિહાસમાં કાયમ માટે નોંધાવ્યું છે.

શરૂઆત ખરાબ રહી હતી 

ફાઇનલમાં નીરજ ચોપરાની શરૂઆત સારી રહી ન હતી અને પહેલો જ થ્રો ફાઉલ ગયો હતો. પ્રથમ પ્રયાસ બાદ કુલ 12 ફાઇનલિસ્ટમાં નીરજ છેલ્લા સ્થાને હતો. ફાઉલ કરનાર તે એકમાત્ર થ્રોઅર હતો. તેમ છતાં, નીરજ નિરાશ ન થયો અને નીરજે બીજા જ પ્રયાસમાં જબરદસ્ત પુનરાગમન કર્યું. નીરજના બીજા થ્રોમાં ભાલો 88.17 મીટરના અંતરે જઈને પડ્યો અને આ સાથે નીરજે પ્રથમ સ્થાન મેળવ્યું. નીરજની આ લીડ ત્રીજા પ્રયાસ પછી પણ ચાલુ રહી અને 86.32 મીટર ફેંકવા છતાં તે પ્રથમ હાફમાં પ્રથમ સ્થાને રહ્યો. પાકિસ્તાનના અરશદ નદીમે પણ ધીમી શરૂઆત બાદ વાપસી કરી હતી. અરશદનો પહેલો થ્રો 74.80 અને બીજો 82.81 મીટર હતો. નદીમે ત્રીજા થ્રોમાં ફરીથી 87.82 મીટરનું અંતર હાંસલ કર્યું અને નીરજ પછી બીજું સ્થાન પણ મેળવ્યું

આ ઝળહળતી સફળતા બદલ પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા 

વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિનશિપમાં જેવેલિન થ્રો સ્પર્ધામાં ભારતનું નામ રોશન કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નીરજ ચોપડાને શુભેચ્છા પાઠવતાં એક્સ પર ટ્વિટ કરી હતી.