×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નાગાલેન્ડ ચૂંટણી પરિણામ : ભાજપનું ગઠબંધન 53 બેઠકો પર આગળ, નેફ્યુ રિયો સત્તામાં વાપસી કરી શકે

image : Twitter


નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણીની મતગણતરી 8 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. પ્રારંભિક ટ્રેન્ડમાં નેફ્યુ રિયોની આગેવાની હેઠળના NDPP ગઠબંધનને સ્પષ્ટ લીડ મળી રહી હોવાનું જણાય છે. આ ગઠબંધન 53 થી વધુ સીટો પર આગળ વધતું દેખાય છે. જ્યારે એનપીએફને 3 અને કોંગ્રેસ તથા અપક્ષને 2-2 સીટો મળતી દેખાય છે.  સાંજ સુધીમાં પરિણામ પણ જાહેર થઈ જશે તેવી ધારણા છે.  એક એક્ઝિટ પોલ મુજબ નાગાલેન્ડમાં NDPP અને BJPની ગઠબંધન સરકાર બનશે. મહાગઠબંધનને 38 થી 48 બેઠકો, કોંગ્રેસને 1 થી 2, NPFને 3 થી 8 બેઠકો મળી શકે છે.

નાગાલેન્ડમાં વિધાનસભાની 60 બેઠકો છે

નાગાલેન્ડમાં વિધાનસભાની 60 બેઠકો છે પરંતુ 27 ફેબ્રુઆરીએ 59 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. હકીકતમાં, ભાજપના ઉમેદવાર કાઝેટો કિનીમી ઝુનહેબોટો જિલ્લાની અકુલુટો બેઠક પરથી બિનહરીફ ચૂંટણી જીત્યા છે. આ વખતે 183 ઉમેદવારો મેદાનમાં છે. રાજ્યમાં 13 લાખથી વધુ મતદારો છે. જેમાં 6.47 લાખ પુરૂષ અને 6.49 લાખ મહિલા મતદારો છે. આ વખતે અહીં 83.63 ટકા મતદાન થયું છે. ગત વખતે 2018માં 85.62 ટકા મતદાન થયું હતું.

ભાજપ અને એનડીપીપી વચ્ચે ગઠબંધન 

સત્તાધારી નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP) અને ભાજપ આ વખતે સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. આ વખતે એનડીપીપીએ 40 અને ભાજપે 20 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. બીજી તરફ કોંગ્રેસે 60માંથી માત્ર 23 સીટો પર જ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. NPSના 21 ઉમેદવારો ઉપરાંત કુલ 19 અપક્ષોએ ચૂંટણી લડી છે.

શું નેફ્યુ રિયો ફરીથી સીએમ બનશે?

એક એક્ઝિટ પોલ અનુસાર નાગાલેન્ડમાં મુખ્યમંત્રી નેફ્યુ રિયોની લોકપ્રિયતા અકબંધ છે. એક્ઝિટ પોલના પરિણામો અનુસાર, 25 ટકા લોકોની પહેલી પસંદ વર્તમાન સીએમ નેફ્યુ રિયો છે. અન્ય પાર્ટીના કોઈ સીએમ ચહેરાને 10 ટકા પણ વોટ મળ્યા નથી.