નવો વિવાદઃ કેજરીવાલે કહ્યું- ચંદીગઢ પંજાબને સોંપી શકે છે કેન્દ્ર, વીજે કહ્યું- ગુમરાહ ન કરશો

નવો વિવાદઃ કેજરીવાલે કહ્યું- ચંદીગઢ પંજાબને સોંપી શકે છે કેન્દ્ર, વીજે કહ્યું- ગુમરાહ ન કરશો


– વીજે કહ્યું કે, કેજરીવાલ એક ભટકેલી આત્મા છે જે જનતાને ભટકાવવાનું અને આડા રસ્તે ચડાવવાનું કામ કરે છે

નવી દિલ્હી, તા. 20 ડિસેમ્બર, 2021, સોમવાર

ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે સક્રિય બનેલા આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલના એક નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. રવિવારે ચંદીગઢના સેક્ટર-43ના દશહરા ગ્રાઉન્ડ ખાતે આયોજિત ચૂંટણી રેલી દરમિયાન કેજરીવાલે કહ્યું હતું કે, એક અફવા સાંભળવામાં આવી છે કે, કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ ચંદીગઢ પંજાબને સોંપવા વિચારી રહી છે. 

કેજરીવાલે આગળ કહ્યું હતું કે, જો આ સમાચાર સાચા હોય તો પછી ભાજપ અને કોંગ્રેસને મત આપવો વ્યર્થ હશે કારણ કે, થોડા મહિનાઓ બાદ પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવાની છે અને ચંદીગઢ પંજાબનો હિસ્સો હશે. તેમના આ નિવેદન મુદ્દે હરિયાણાના ગૃહમંત્રી અનિલ વીજે વલટવાર કર્યો છે. 

હરિયાણાનો પણ સમાન હક

અનિલ વીજે જણાવ્યું કે, ચંદીગઢ પર પંજાબ અને હરિયાણાનો સમાન હક છે. વધુમાં વીજે કહ્યું કે, કેજરીવાલ એક ભટકેલી આત્મા છે જે જનતાને ભટકાવવાનું અને આડા રસ્તે ચડાવવાનું કામ કરે છે. હવે તેઓ ચંદીગઢના લોકોને ઉંધા પાટે ચડાવવા પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ ચંદીગઢની જનતા ખૂબ જ સમજદાર છે અને કોઈ પણ સંજોગોમાં આમ આદમી પાર્ટીને મત નહીં આપે. ચંદીગઢના સમજદાર લોકો હંમેશાથી ભારતીય જનતા પાર્ટીની સાથે છે. વીજના કહેવા પ્રમાણે ક્યાંય આવો કોઈ નિર્ણય નથી લેવાયો. 

કેજરીવાલના 5 વચનો

ચંદીગઢ પહોંચેલા કેજરીવાલે જનતાને 5 વચનો આપ્યા હતા અને કહ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો વિજય થશે તો આ વચનો પૂરા કરીને જ ફરી વખત સામે આવશે. કેજરીવાલે કહ્યું હતું કે, આજે સ્વચ્છતા મામલે ચંદીગઢ દેશભરમાં 66મા ક્રમે પહોંચી ગયું છે. ભાજપ કહે છે કે, વિકાસ માટે ડબલ એન્જિનની સરકાર જરૂરી છે. ચંદીગઢમાં સાંસદ, મેયર અને પ્રશાસક ભાજપનો છે અને કેન્દ્રમાં પણ ભાજપ છે છતાં પણ આજ સુધી શા માટે કશું ન કર્યું. 

કેજરીવાલે કહ્યું કે, અમારૂં પહેલું વચન છે ભ્રષ્ટાચારને મૂળથી નાબૂદ કરવાનું. બીજું વચન ડડ્ડૂમાજરા ખાતે કચરાના જે પહાડ છે તેને ખતમ કરીશું. ત્રીજું વચન છે, દિલ્હીની માફક ચંદીગઢમાં પણ ફ્રીમાં પાણી આપવામાં આવશે. ચોથું રસ્તાને સારા બનાવવામાં આવશે, શહેરની સાફ-સફાઈ અને જાળવણી મજબૂત કરવામાં આવશે તથા પાંચમું મહિલાઓની સુરક્ષા માટે દિલ્હીની જેમ ચંદીગઢમાં પણ ઠેકઠેકાણે સીસીટીવી કેમેરા અને સ્ટ્રીટ લાઈટ લગાવવામાં આવશે. 

Share: