×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ધો.12માં 75%થી વધુ માર્ક લાવનાર એન્જિનિયરિંગ-મેડિકલ છાત્રોની ફી ભરશે આ રાજ્ય સરકાર

Image Source by - pixabay

ભોપાલ, તા.19 ડિસેમ્બર-2022, સોમવાર

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે વિદ્યાર્થીઓના હિતમાં બહુ મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે, હવે ધોરણ-12માં 75 ટકાથી વધુ નંબર મેળવનારાઓને ગ્રેજ્યુએટ ડિગ્રી મેળવવા માટે નાણાંકીય મદદ સાથે રાજ્ય સરકાર પુરસ્કૃત કરાશે. રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કરાયેલી જાહેરાત મુજબ, હવે ધોરણ-12ની પરીક્ષામાં 75 ટકાથી વધુ ગુણ મેળવનારા વિદ્યાર્થીઓની એન્જિનિયરિંગ અથવા મેડિકલ કૉલેજથી ફી રાજ્ય સરકાર ભોગવશે. ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં જ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) JEE મેઈન 2023 ક્વોલિફાય કરવા માટે ધોરણ-12માં 75 ટકાની યોગ્યતાના માપદંડને ફરી શરૂ કરવાના કેટલાક દિવસો બાદ આ મહત્વની જાહેરાત કરાઈ છે.

ધો.12માં 75% અંક મેળવનાર વિદ્યાર્થીઓને લેપટોપ

મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, હું પહેલાથી જ ધોરણ-12ની પરીક્ષામાં 75 ટકાથી વધુ અંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓએ લેપટોપ આપું છું. હવે મેડિકલ કૉલેજ, એન્જીનિયરિંગ કૉલેજ, આઈઆઈટી અને લૉ કોલેજની ફી પણ રાજ્ય સરકાર ભોગવશે.

તાજેતરમાં જ NTAએ કરી હતી મહત્વની જાહેરાત

તાજેતરમાં જ NTAએ જાહેરાત કરી હતી કે, NIT, IIIT અને CFTIમાં BE/BTech/BArch/BPlanningના અભ્યાસક્રમોમાં પ્રવેશ ઓલ ઈન્ડિયા રેન્ક પર આધારીત હશે. પરંતુ ઉમેદવારે સંબંધિત બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ-12માં ઓછામાં ઓછા 75 ટકા ગુણ મેળવ્યા હોવા જોઈએ.

110 ગામોમાં રમતના મેદાનો વિકસાવવાનો નિર્ણય

મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ એવી પણ જાહેરાત કરી છે કે, રાજ્ય સરકારે 110 ગામોમાં રમતના મેદાનો વિકસાવવાનો નિર્ણય કર્યો છે. ચૌહાણે કહ્યું કે, તેમની સરકારે 10 લાખ નવી સરકારી નોકરીઓ પણ શરૂ કરી છે અને પોસ્ટ ભરવામાં આવી રહી છે.