દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલને મળી રહી છે રેપની ધમકી

દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલને મળી રહી છે રેપની ધમકી

-માલીવાલને બે અલગ-અલગ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા ધમકી આપવામાં આવી 

નવી દિલ્હીઃતા.12 ઓક્ટોબર 2022,બુધવાર 

દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલને ઈન્સ્ટાગ્રામ પર રેપની ધમકી મળી રહી છે. માલીવાલને બે અલગ-અલગ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા ધમકી આપવામાં આવી છે. બંને યુઝર્સે તેમની વિરુદ્ધ અશ્લીલ શબ્દોનો ઉપયોગ કર્યો હતો અને રેપની ધમકી આપી હતી. આ પછી સ્વાતિ માલીવાલે આ મામલાની ફરિયાદ દિલ્હી પોલીસને કરી છે અને આ મામલામાં સામેલ લોકો વિરુદ્ધ કેસ નોંધવાની માંગ કરી છે.

ટ્વીટ કરીને આપી જાણકારી 

સ્વાતિ માલીવાલે ખુદ ટ્વીટ કરીને આ ઘટનાની જાણકારી આપી છે. આટલું જ નહી સ્વાતિ માલીવાલે ટ્વીટ કરીને આ બંને ધમકીભર્યા મેસેજનો સ્ક્રીનશોટ ટ્વીટ કરતાં લખ્યું કે, “જ્યારથી મેં સાજિદખાનને બિગ બોસમાંથી બહાર કરવા માટે I&B મંત્રીને પત્ર લખ્યો છે, ત્યારથી મને Instagram પર રેપની ધમકી આપવામાં આવી રહી છે. દેખીતી રીતે તેઓ અમારું કામ રોકવા માગે છે. હું દિલ્હી પોલીસને આ બાબતે ફરિયાદ કરી રહી છું. આ ઘટનાની FIR નોંધો અને આ કરનાર પાછળ જેનો પણ હાથ છે તેની ધરપકડ કરો.  

દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે એક દિવસ પહેલા જ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરને લેટર લખીને ફિલ્મ નિર્માતા અને નિર્દેશક સાજિદ ખાનને રિયાલિટી શો ‘બિગ બોસ’માંથી હટાવવાની માંગ કરી હતી. વર્ષ 2018માં સાજિદ ખાન પર ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી ઘણી મહિલાઓએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. 

Share: